જામ્યુકોની જન્મ-મરણ શાખાના સબ રજીસ્ટ્રારનો ચાર્જ આસી.લીગલ ઓફીસરને સોંપાયો
જામ્યુકોની જન્મ-મરણ શાખા સબ રજીસ્ટ્રારનો ચાર્જ આસી.લીગલ ઓફીસરને સોંપવામાં આવ્યો છે. જીવન ટૂંકાવી લેનાર સબ રજીસ્ટ્રારના નામનું આઇડી હોય નવા દાખલાની કામગીરી ખોરંભે પડી છે. બીજી બાજુ સરળ સ્વભાવના મહાનગરપાલીકાના કર્મચારીના આપઘાતનું રહસ્ય હજુ પણ અકબંધ હોય અનેક સવાલની સાથે તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી છે.
જામનગર મહાનગરપાલીકાની જન્મ મરણ શાખામાં સબ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હસમુખભાઇ પુરબીયાનો મૃતદેહ લહેર તળાવામાંથી મળી આવતા મનપાના કર્મચારીઓમાં આઘાત સાથે શોકની લાગણી પ્રસરી હતી. બીજી બાજુ કર્મચારીએ અચાનક જીવન ટૂંકાવી લેતા મનપાની જન્મ મરણ શાખામાં ટેકનીકલ સમસ્યા ઉભી થઇ છે. કારણ કે, મૃતક સબ રજીસ્ટ્રારના નામે સીઆરએસ પોર્ટલમાં આઇડી હોય જન્મ મરણના દાખલાની કામગીરી દરમ્યાન તેના મોબાઇલમાં ઓટીપી આવતો હતો. આ ઓટીપી પોર્ટલ પર એન્ટર કર્યા બાદ જ પોર્ટલ ખુલતું હોય તે પ્રકારની વ્યવસ્થા છે. પરંતુ કર્મચારીએ અકાળે જીવન ટૂંકાવી લેતા સીઆરએસ પોર્ટલ પર અન્ય કોઇનું આઇડી ન હોય જન્મ મરણના નવા દાખલાની કામગીરી ખોરંભે ચડી છે. આથી દાખલા લેવા આવનાર અરજદારોને ૧૯ ઓકટોબરે આવવાનું જણાવી ટોકન આપવામાં આવ્યા છે.
બીજી બાજુ જન્મ મરણ શાખાના સબ રજીસ્ટ્રારનો ચાર્જ મનપાની આરોગ્ય શાખામાં લીગલ ઓફીસર તરીકે ફરજ બજાવતા હસમુખ એન.પાંડેરને સોંપવામાં આવ્યો છે. આથી આ અધિકારીએ હાલની મૂળ કામગીરી ઉપરાંત જન્મ મરણ શાખાના સબ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવવાની રહેશે તેવો આદેશ મનપાના આસીસ્ટન્ટ કમીશ્ર્નર(વહીવટ)એ કર્યો છે. જો કે, મહાનગરપાલીકાના સરળ સ્વભાવના અધિકારીના આપઘાતનું રહસ્ય હજુ પણ અકબંધ હોય અનેક સવાલો ઉઠ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application