જામનગર: કાલાવડમાં વેપારી સાથે સોનાના દાગીના બતાવવાના બહાને ૭.૫૯ લાખની ઠગાઈ
ઘરે પત્નીને દાગીના બતાવી આવવાનું કહીને ત્રણ સોનાની ચેન અને બ્રેસલેટ લઈ ગયો
કાલાવડના જૂના ગ્રેઇન માર્કેટ રોડ પર આવેલી સોનીની દુકાનમાંથી ઘરે પત્નીને દાગીના બતાવી આવવાના બહાને રૂ.૭.૫૯ લાખની કિંમતના ત્રણ સોનાના ચેન અને એક બ્રેસલેટ લઈ જનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
કાલાવડમાં શ્રીજી જવેલર્સ નામે સોનીકામની દુકાન ધરાવતા રાજકોટના મીતેષભાઈ ગિરીશભાઈ કડેચા (ઉ.વ.૩૨)ની દુકાને તા.૧૭ જુલાઈના રોજ સાગરભાઈ મહેતા નામનો શખ્સ આવ્યો હતો. તેણે પોતાની ઓળખ આપી જણાવ્યું હતું કે, તેણે દુકાનની બાજુમાં સાગર ટ્રેડર્સ નામે દુકાન ભાડે રાખી છે, અને થોડા દિવસોમાં દુકાનનું ઉદ્ઘાટન કરવાનું છે. તેણે દુકાનમાંથી આશરે સવા ગ્રામનું સોનાનું જેન્ટ્સ પેન્ડલ ૨૨,૦૦૦ રોકડા આપી લીધું હતું.
એ પછી સાગરભાઈ ફરી દુકાને આવ્યો હતો અને સવા ચાર ગ્રામની સોનાની ચેન ૧૯,૫૦૦ રોકડા આપી ખરીદી હતી. ત્યારબાદ તા.૧૭ જુલાઈના રોજ તેણે બે સોનાની ચેન અને એક બ્રેસલેટ લેવાની વાત કરી હતી. પત્નીને ઘરે બતાવીને ત્રણમાંથી જે બે ચેન પસંદ પડે તે રાખી લેવાની વાત કરી વિશ્વાસ કેળવી, સોની પાસેથી ત્રણ ચેન અને એક બ્રેસલેટ લઈ ગયો હતો.
આ દાગીનામાં ૧૦ ગ્રામ ૩૯૦ મિલી વજનની ૧,૫૩,૭૭૦ની ચેન, ૧૫ ગ્રામ ૯૦૦ મિલી વજનની ૨,૩૫,૩૧૮ની ચેન, ૧૦ ગ્રામ ૯૯૦ મિલી વજનની રૂ.૧,૧૨,૬૫૧ની ચેન તથા ૧૪ ગ્રામ ૦૪૦ મિલી વજનનું રૂ.૨,૦૭,૭૯૧નું સોનાનું જેન્ટ્સ બ્રેસલેટ મળી કુલ ૫૧ ગ્રામ ૩૨૦ મિલી સોનું અને ૭,૫૯,૫૩૦ની કિંમતના દાગીના હતા.
આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા મીતેષભાઈ કડેચાએ સાગરભાઈ મહેતા રહે. ભગવતીપરા, કાલાવડ તથા મોબાઇલ નંબરના આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર જયસ્વાલે તપાસ હાથ ધરી છે.