BREAKING NEWS

જામનગરમાં પીજીવીસીએલની ચેકીંગ ડ્રાઇવ, વીજચોરોમાં દોડધામ

  • September 23, 2026 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પીજીવીસીએલની ચેકીંગ ડ્રાઇવ, વીજચોરોમાં દોડધામ 

કાર્યવાહી: શહેરના નાગનાથ ગેઇટ, નદીપા રોડ, અંબાજી ચોક સહીતના વિસ્તારોમાં વીજટુકડીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી

જામનગરમાં વધુ એક વખત પીજીવીસીએલની ચેકીંગ ડ્રાઇવથી વીજચોરોમાં ભારે દોડધામ મચી ગઇ છે. શહેરના નાગનાથ ગેઇટ, નદીપા રોડ, અંબાજી ચોક સહીતના વિસ્તારોમાં વીજટુકડીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. ચેકીંગમાં મસમોટી વીજચોરી પકડાવાની શકયતા છે. શહેરમાં છાશવારે વીજચેકીંગ બાદ પણ પાવરચોરીનું દૂષણ યથાવત રહેતા અનેક સવાલ ઉઠયા છે. 

જામનગર છેલ્લાં ઘણાં વર્ષોથી ટી એન્ડ ડી લોસમાં સૌરાષ્ટ્રમાં અવ્વલ નંબરે છે.  જેનું મુખ્ય એક કારણ વીજચોરી છે. વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા છાશવારે શહેરમાં વીજચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવે છે. આટલું જ નહીં ચેકીંગના અંતે લાખોની વીજચોરી પણ પકડાય છે. આમ છતાં વીજચોરીમાં જોઇએ તેવો ઘટાડો થતો નથી. આ સ્થિતિમાં શહેરમાં આજે વધુ એક વખત પીજીવીસીએલ દ્વારા ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરના  નાગનાથ ગેઇટ, નદીપા રોડ, અંબાજી ચોક સહીતના વિસ્તારોમાં વીજટુકડીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. ચેકીંગ દરમ્યાન જુદા-જુદા વિસ્તારોમાં રહેણાંક મકાનો અને દુકાનોના વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતાં.

​​​​​​​ચેકીંગ દરમ્યાન કોઇ અઈચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ અને એકસઆર્મીના જવાનોએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. આટલું જ નહીં વીજચેકીંગ કામગીરીની વીડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, વીજચેકીંગની કામગીરી સાંજ સુધી ચાલશે. આ દરમ્યાન મસમોટી વીજચોરી પકડાવાની શકયતા નકારી શકાતી નથી. બીજી બાજુ શહેરમાં વધુ એક વખત પીજીવીસીએલની ચેકીંગ ડ્રાઇવથી વીજચોરોમાં ભારે દોડધામ સાથે અફડાતફડી મચી ગઇ હતી. અત્રે નોંધનીય છે કે, વીજકંપની દ્વારા શહેર-જિલ્લામાં છાશવારે વીજચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવે છે. આટલું જ નહીં ચેકીંગ દરમ્યાન કરોડોની વીજચોરી પણ પકડાઇ છે. આમ છતાં વીજચોરીનું દૂષણ યથાવત રહેતા ચેકીંગ કામગીરી અને ત્યારબાદ થતી વસૂલાત સામે અનેક સવાલો ઉઠયા છે. 

અત્રે નોંધનીય છે કે, થોડા સમય પૂર્વે પીજીવીસીએલ દ્વારા શહેરના કયાં કયાં વિસ્તારોમાં વીજકંપનીની કેટલી ટીમો દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે તેની સતાવાર જાહેરાત કરવામાં આવતી હતી. આટલું જ નહીં ચેકીંગના અંતે વીજચોરીના આંકડા પણ જાહેર કરાતા હતાં. પરંતુ આ વિગતો જાહેર કરવામાં ઠાગાઠૈયા અને વિલંબના કારણે સમગ્ર કામગીરી સામે અનેક સવાલ ઉઠયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application