જામનગરના નવાગામ ઘેડમાં સમાધાન માટે ભેગા થયેલા બે જૂથ વચ્ચે મારામારી
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં સામાન્ય બોલાચાલીનું સમાધાન કરાવવાના પ્રયાસ દરમિયાન બે જૂથો વચ્ચે ઉગ્ર તકરાર થતાં ૩ ને ઇજા થઇ હતી, દરમ્યાનમાં બંને પક્ષ દ્વારા ફરીયાદ કરવામાં આવી છે. રાત્રીના સમયે થયેલા મારામારીના બનાવના કારણે આ વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી, બીજી બાજુ પોલીસ ટુકડી સ્થળ પર દોડી જઇ તપાસ હાથ ધરી હતી.
નવાગામ ઘેડ હનુમાન ચોક ટીંબાફળી વિસ્તારમાં રહેતા રીક્ષા ડ્રાઇવર ઉમેશ રણછોડભાઇ લોલડીયા (ઉ.વ.૨૮) નામના યુવાને ગઇકાલે સીટી-બીમાં નીતીન અશોક શિંગાળા, હિતેશ અશોક શિંગાળા, દિનેશ શરદ શિંગાળા તથા કાળો ઉર્ફે બાપા સીતારામ મકવાણાની વિરુઘ્ધ બીએનએસ ૧૦૯, ૧૧૮(૧), ૧૧૫(૨) વિગેરે મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ત્રણેક દિવસ પહેલા ફરીયાદીના મિત્ર મયુરને ગોકુલનગરમાં ૪ અજાણ્યા ઇસમો તેની સાથે બોલાચાલી કરી હતી જે બાબતે ફરીયાદીના મિત્ર રોહિત શિંગાળાએ મિત્ર મયુર સાથે સમાધાન કરી આપવા જણાવતા ફરીયાદીઓ મયુર તથા તેમના પત્ની કિરણબેનને સમાધાન કરાવી આપેલ બાદ ત્યાં ફરીયાદી ઉભા હોય ત્યારે આરોપી નિતીન આવી સમાધાન થયેલ ઇસમ પ્રતાપ તથા વિજયને અપશબ્દો કહયા હતા. આથી ફરીયાદીએ સમાધાન થઇ ગયેલ છે તેમ કહેતા ફરીયાદીને અપશબ્દો કહીને તને હવા છે થોડીવારમાં આવું છુ તેમ કહયુ હતું.
ત્યાર બાદ ફરીયાદી તથા તેના મિત્ર મયુર અને તેમના પત્ની ઘર પાસે ઉભા હતા ત્યારે આરોપીઓ આવીને પાઇપ, ધોકા વડે આડેધડ હુમલો કર્યો હતો જેમાં ફરીયાદીને માથામાં અને બંને પગમાં ઘા ઝીંકી દીધા હતા, મયુર છોડાવવા પડતા તેને પણ માર માર્યો હતો.
સામા પક્ષે નવાગામ ઘેડ હનુમાન ચોક ખાતે રહેતા હિતેશ અશોકભાઇ શિંગાળા (ઉ.વ.૨૫)એ વળતી ફરીયાદ સીટી-બીમાં નવાગામ ઘેડના ઉમેશ રણછોડ લોલડીયા, રિતેશ ઉર્ફે રીટો રણછોડ લોલડીયા તથા ગોકુલનગરના મયુર રાજેશ બાવરીયાની વિરુઘ્ધ બીએનએસ ૧૦૯, ૧૧૮(૧), ૧૧૫(૨) વિગેરે મુજબ ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યુ હતું કે, તા. ૧૭ના રાત્રીના ફરીયાદી હિતેશ ઘરે જતા હતા ત્યારે તેનો જુનો મિત્ર મયુર અને તેની પત્ની કિરણબેન તેના ઘરે જતા હતા એ દરમ્યાન અજાણ્યા ઇસમોએ બોલાચાલી કરી હતી તે બાબતનું સમાધાન કરવા માટે ફરીયાદીના કાકાના દિકરા રોહિતે મયુર અને તેની પત્નીને હનુમાન મંદિર પાસે બોલાવ્યા હતા અને તેની સાથે સમાધાનની વાત ચાલુ હતી ત્યારે ઉપરોકત ત્રણેય આરોપીઓ ફરીયાદીના ભાઇ સાથે બોલાચાલી અને ઝઘડો તેમજ ઝપાઝપી કરવા લાગ્યા હતા, ફરીયાદીને પાવડાના હાથા વડે બે ઘા ઝીંકી માથામાં ગંભીર ઇજા પહોચાડી હતી અને સાહેદને મુંઢ માર માર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, સીટી-બી પીઆઇની સુચનાથી પીએસઆઇ ગોવાણી દ્વારા બંને પક્ષની ફરીયાદ નોંધીને તપાસ લંબાવવામાં આવી છે.