જામજોધપુરમાં કાર પાર્ક કરવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ
જામનગર
જામજોધપુરના બાલવા ફાટક પાસે આવેલી શિવમ પાર્ક સોસાયટીમાં પ્લોટના દરવાજા પાસે કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલી અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં તલવાર, છરી અને લોખંડના પાઇપ વડે સામસામે હુમલાની ઘટના બની હતી. આ બનાવમાં બંને પક્ષના સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને એક પક્ષની કારના કાચ તોડી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ બનાવ અંગે જામજોધપુર પોલીસ મથકમાં બંને પક્ષે સામસામે બે અલગ-અલગ ફરિયાદો નોંધાવતાં પોલીસે ગુનાની તપાસ હાથ ધરી છે.
જામજોધપુરમાં પંચવટી ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા કિશોરભાઇ ભારાભાઇ જોગાણી (ઉ.વ.૩૯)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પ્લોટના દરવાજા પાસે દેવુ વાલા જામ અને દિપુ વાલા જામ સહિતના શખ્સો વારંવાર વાહન પાર્ક કરતા હોવાથી વાહન ત્યાં પાર્ક નહીં કરવા સમજાવ્યા હતા. આ બાબતે તા. ૧૬ ની રાત્રે ફરી બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી, જે બાદ ઘરમેળે સમાધાન થયું હતું.
જોકે, ત્યારબાદ તા. ૧૭ની રાત્રે આશરે એક વાગ્યાના સુમારે કિશોરભાઇએ દેવુભાઇના પુત્ર સાથે ફોન પર વાત કરીને ત્યાં પાર્ક કરેલી કાર હટાવી લેવા જણાવ્યું હતું. આથી કિશોરભાઇ પોતાની ફોરવ્હીલ કારમાં તથા તેમનો પુત્ર મેહુલ અને ભાઇ કાનો ઉર્ફે વિનુ એક્ટિવા પર સમજાવવા માટે ગયા હતા. તે વખતે સામા પક્ષના દેવુ વાલા જામે તલવાર વડે અને અન્ય શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ હુમલામાં કિશોરભાઇના ડાબા હાથમાં તલવારનો ઘા વાગતાં ગંભીર ઇજા થઈ હતી અને આશરે ૧૫ ટાંકા લેવા પડ્યા હતા. તેમના પુત્ર મેહુલને જમણા હાથના અંગૂઠા તથા આંગળીઓમાં ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઇજા થઈ હતી. જ્યારે ભાઇ કાનો ઉર્ફે વિનુને ડાબા હાથની કોણી પાસે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. હુમલાખોરોએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ તેમની કારના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ અંગે કિશોરભાઇએ દેવુ વાલા, દિપુ વાલા જામ, રાજ દેવુ અને સાજણ જામ રહે. જામજોધપુરની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.
બીજી તરફ, બાલવા ફાટક પાસે શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા ગગુ ઉર્ફે દિપુ વાલાભાઇ જામ (ઉ.વ.૪૭)એ કિશોરભાઇ જોગાણી, તેમના પુત્ર મેહુલ અને કાનો ઉર્ફે વિનુ ભારા જોગાણીની સામે સામસામી ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ મુજબ, કિશોરભાઇના ભાઇની કાર તેમના પ્લોટની સામે પાર્ક કરવા બાબતે અગાઉ ઝઘડો થયો હતો. તે વખતે કિશોરભાઇએ માથામાં લાકડી માર્યાનો આક્ષેપ છે. ત્યારબાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ તા. ૧૭ ઓક્ટોબરની રાત્રે આશરે એક વાગ્યે કિશોરભાઇ તલવાર, મેહુલ છરી અને કાનો ઉર્ફે વિનુ લોખંડનો પાઇપ લઈને તેમના ઘર પાસે આવ્યા હતા અને તેમના ભાઇ તથા ભત્રીજા પર હુમલો કરતા પોતે વચ્ચે પડ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, કિશોરભાઇએ તલવારનો ઘા તેમના ભાઇ દેવુભાઇના માથા પર મારવાનો પ્રયાસ કરતાં દેવુભાઇએ બંને હાથથી તલવાર પકડી લેતાં જમણા હાથની બે અને ડાબા હાથની એક આંગળી કપાઈ ગઈ હતી. આ ઉપરાંત મેહુલે તેમના ભત્રીજાના ગળા પર છરીનો ઘા મારવાનો પ્રયાસ કરતાં તેણે છરી પકડી લેતાં બંને હાથની હથેળીઓમાં ઇજા થઈ હતી. કાનો ઉર્ફે વિનુએ લોખંડના પાઇપ વડે ફરિયાદી તથા તેમના ભાઇ અને ભત્રીજાને માર માર્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
આ ઉપરાંત કારના કાચ તોડી નુકસાન પહોંચાડવા, ગાળો ભાંડવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા તેમજ ઘાતક હથિયારો ધારણ કરીને હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવાનો આક્ષેપ પણ બીજી ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ બંને બનાવ અંગે જામજોધપુર પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯(૧), ૧૧૮(૨), ૩૫૨, ૩૫૧(૩), ૩૨૪(૪), ૫૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) હેઠળ અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. બંને ફરિયાદોમાં સામસામે ગંભીર આક્ષેપો થતાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.