↵"સેવા મારુ યોગદાન" અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સફાઈ અભિયાન યોજાયું
જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ કચેરીઓ દ્વારા કરાયેલ સફાઈનું નિરીક્ષણ કર્યું, સ્વયં શ્રમદાન દ્વારા સૌને સ્વચ્છતાનો સંદેશો આપ્યો
સેવા સદનમાં આવેલ વિવિધ વિભાગોની કચેરીઓમાં પણ વર્ગીકરણ અને સફાઈ હાથ ધરાઇ
સમગ્ર રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત વિવિધ સેવાકીય અને જનહિતલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેના અનુસંધાને વિકસિત ભારત ૨૦૪૭ તથા ૨૫ વર્ષ - સેવા અને સુશાસન કાર્યક્રમના અનુસંધાને "સેવા મારુ યોગદાન" અંતર્ગત "સ્વચ્છ કચેરી, સ્વચ્છ શહેર" પહેલ માટે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ અભિયાનમાં નિવાસી અધિક કલેક્ટર મેહુલ દેસાઈ, નાયબ કલેકટર રિદ્ધિબેન રાજ્યગુરુ, જિલ્લા પુરવઠા અધિકારી કૃષ્ણા સોલંકી, અન્ય વિભાગીય કચેરીના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાઈ શ્રમદાન કર્યું હતું. વધુમાં કલેક્ટરએ પરિસરમાં આવેલ કચેરીઓ દ્વારા કરાયેલ સફાઈનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં સફાઈ કર્મચારીઓને સ્ટીલ બોટલ વિતરિત કરવામાં આવી હતી. ઉપરાંત, જિલ્લા માહિતી કચેરી દ્વારા સફાઈ કર્મીઓને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી દર્શાવતી પુસ્તિકા વિતરિત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, અભિયાન અંતર્ગત જિલ્લા સેવા સદનમાં આવેલ વિવિધ વિભાગીય ઓફિસોમાં અને જિલ્લાની મહેસુલી ઓફિસમાં ફાઇલ વર્ગીકરણ અને પસ્તી નિકાલ તેમજ સઘન સાફ-સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ નાગરિકોને પણ આ સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે જોડાવા અને સ્વચ્છ ઘર, સ્વચ્છ ફળિયું, સ્વચ્છ ગામ અને સ્વચ્છ શહેર થકી સ્વચ્છ ભારતમાં યોગદાન આપવા અપીલ કરી હતી.