BREAKING NEWS

હાલારમાં વાવાઝોડાના હાઉ વચ્ચે વાદળોની જમાવટ: ઠંડો પવન

  • October 29, 2025 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારમાં વાવાઝોડાના હાઉ વચ્ચે વાદળોની જમાવટ: ઠંડો પવન

બંગાળની ખાડીમાં સર્જાયેલા મેન્થો વાવાઝોડાએ વિનાશ વેર્યો છે તો બીજી તરફ અરબી સમુદ્રમાં પણ ડીપ ડીપ્રેશન સર્જાયા બાદ વાવાઝોડાએ આકાર લીધો અને હાલ તેની દિશા સૌરાષ્ટ્ર તરફ હોવાની આગાહી કરાયા બાદ વાવાઝોડાનો હાઉ સર્જાયો છે, આજ સવારથી જામનગર સહિત હાલારભરમાં વાદળો છવાયેલા છે, છેલ્લા ચોવીસ કલાકમાં દ્વારકા અને કાલાવડમાં સામાન્ય માવઠુ પડયુ છે બીજી તરફ ઠંડો પવન ફુંકાવાના કારણે લઘુતમ તાપમાન ઝડપથી નીચે ગબડયુ છે અને લોકો ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન જામનગર જિલ્લાના કાલાવડમાં ૪ મી.મી. અને દ્વારકામાં ૩ મી.મી. વરસાદ નોંધાયો છે, બાજર સંશોધન કેન્દ્રએ આપેલા આંકડા મુજબ લઘુતમ તાપમાન ૨૨.૫, મહતમ તાપમાન ૨૬ ડીગ્રી નોંધાયુ છે, ભેજનું પ્રમાણ ૮૭ ટકા છે જયારે પવનની ગતિ ૧૦થી ૧૫ કિ.મી.ની પ્રતિકલાક દર્શાવવામાં આવી છે અને તેમાં ધીમે ધીમે વધારો થયો છે.

દરમ્યાનમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આગામી પ દિવસમાં જામનગરમાં વરસાદની આગાહી કરી છે, તા. ૨૯ થી લઇને તા. ૨ સુધી માવઠુ પડવાની જે આગાહી થઇ છે તેના પગલે સ્વાભાવિક રીતે ખેડુતોમાં ચિંતાની લાગણી છે.

કૃષિ યુનિ.નાં જણાવ્યા મુજબ તા.૨૯ના રોજ ૨૫, તા. ૩૦ના રોજ ૨૦, તા. ૩૧ના રોજ ૩૯મી.મી., તા.૧ના રોજ ૪૫મી.મી. અને તા.૨ના રોજ ૨૦ મિ.મી. વરસાદ જામનગરમાં પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. 

દરમ્યાનમાં વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું હોવાના પગલે દરિયાકાંઠાના વિસ્તાર પર તેજ ગતિએ પવન ફુંકાવાની શકયતાઓ દર્શાવવામાં આવી છે અને જુનાગઢ યુનિ.નાં જણાવ્યા મુજબ દ્વારકામાં આગામી પ દિવસમાં અલગ અલગ દિવસે ભારે વરસાદની આગાહી કરાઇ છે જેમાં તા.૨૯ના રોજ ૮૫ મી.મી., તા.૩૦ના રોજ ૨૫ મી.મી., તા.૩૧ ના રોજ ૯૫ જયારે તા.૧ના રોજ ૧૩૫ મી.મી. અને તા.૨ના રોજ ૩૦ મી.મી. વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 

છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં માવઠુ પડયુ હોવાથી ખેડુતોમાં મહામુલા મોલનુ કચ્ચરઘાણ વળી ગયુ છે, મગફળી અને કપાસના પાકને ભયંકર નુકશાન પહોંચ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application