દ્વારકા ખાતે દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને ૧૦૦૮ મહારુદ્ર અભિષેકમાં સંમેલિત થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને ૧૦૦૮ મહારુદ્ર અભિષેકમાં સંમેલિત થયા હતા.
ભગવાન દ્વારકાધીશના આર્શિવાદ પ્રાપ્ત કરી દ્વારકાના નાગેશ્વર રોડ ખાતે સ્વ. વિરમભા આશાભા માણેકની પ્રેરણાથી દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા આયોજિત વિશ્વ કલ્યાણ અર્થે આયોજિત દેવી ભાગવત કથા અને શ્રીમહાચંડી યજ્ઞ અને ૧૦૦૮ મહારુદ્ર અભિષેકમાં સંમેલિત થયા હતા.
મુખ્યમંત્રીએ નેપાળી બાબા (પરમ તપસ્વી સંત આત્માનંદદાસ મહાત્યાગી)ના આશીર્વાદ મેળવી વિષ્ણુ લોક હવન યજ્ઞશાળા અને શિવ લોક નામ જપ યજ્ઞશાળાની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, તા.૩૧ જાન્યુઆરી,૨૦૨૬ સુધી આયોજિત આ ધાર્મિક આયોજનમાં ભારતભરમાંથી ૨૧ હજાર બ્રાહ્મણો દ્વારા ૫૮ કરોડ જાપ કરવામાં આવી રહ્યાં છે તેમજ દેશભરમાંથી સાધુ,સંતો,મહાત્માઓ આ આયોજનમાં સંમેલિત થયા છે.
મુખ્યમંત્રીની મુલાકાત વેળાએ ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઇ બેરા, કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, અગ્રણી મયુરભાઈ ગઢવી સહિત સ્થાનિક પદાધિકારીઓ, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા.