એક તીખા રાજકીય કટાક્ષ તરીકે શરૂ થયેલા આ પ્લેટફોર્મે ડિજિટલ વિરોધ પ્રદર્શનનું નવું સ્વરૂપ ધારણ કર્યું છે. બેરોજગારી, પેપર લીક અને શિક્ષણ જેવા યુવાનોના મુખ્ય મુદ્દાઓને એનિમેશન અને ગ્રાફિક્સ દ્વારા ઉઠાવીને આ પ્લેટફોર્મે દેશભરના લાખો યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે.
પ્રિયંકા ચતુર્વેદીએ વિપક્ષોને આયનો બતાવ્યો
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર આ આઈડિયાએ યુવા પેઢી વચ્ચે ભારે હલચલ મચાવી છે.
વિપક્ષોથી આશા ભંગ
આ ટ્રેન્ડ દર્શાવે છે કે વર્તમાન વિપક્ષી પક્ષો તરફથી યુવાનોની આશાઓ તૂટી ગઈ છે.
નવા અભિગમની જરૂર
દેશના મતદારો સ્થાપિત વિરોધ પક્ષોને બદલે એક કાલ્પનિક પાર્ટીમાં રસ દાખવી રહ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે યુવા મતદારોની જરૂરિયાતો વિશે નવા દ્રષ્ટિકોણથી વિચારવું પડશે અને આ આપણી ભારતની ભવિષ્ય પ્રત્યેની ફરજ છે.
ભારતમાં ‘X’ એકાઉન્ટ કરાયું બેન
આ કાલ્પનિક પાર્ટી ત્યારે અસ્તિત્વમાં આવી જ્યારે બેરોજગાર યુવાનોની તુલના કથિત રીતે 'કોકરોચ' સાથે કરવામાં આવી હતી. આ ઘટના બાદ 15 મેના રોજ આ પ્લેટફોર્મ સક્રિય થયું હતું.
સરકારી એક્શન
ગુરુવારે (21 મે) ભારતમાં આ પાર્ટીના સત્તાવાર માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કે, પ્રતિબંધ બાદ તુરંત જ 'કોકરોચ ઇઝ બેક' નામે નવું હેન્ડલ શરૂ કરી દેવાયું છે.
ઇન્સ્ટાગ્રામ પર દબદબો
'X' પર પ્રતિબંધ હોવા છતાં, ઇન્સ્ટાગ્રામ પર તેનું પેજ હજુ પણ સક્રિય છે અને તેના ફોલોઅર્સની સંખ્યા આશરે 1.43 કરોડ (143 લાખ) ને પાર પહોંચી ગઈ છે.
સરકાર ડરી ગઈ હોવાનો વિપક્ષી નેતાઓનો આક્ષેપ
આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા રહી ચૂકેલા અભિજીત દીપકેએ એકાઉન્ટ બંધ કરવાના સરકારના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, "આ ડિજિટલ આંદોલન દરરોજ હજારો નવા ફોલોઅર્સ સાથે આગળ વધી રહ્યું હતું, કદાચ આ જ કારણસર સરકાર ડરી ગઈ છે અને એકાઉન્ટ બેન કરી દીધું છે." તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને હેક કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.
યુવાનોની રોજગારી અને શિક્ષણ જેવા ગંભીર મુદ્દાઓ પર કટાક્ષ કરતા આ ડિજિટલ પ્લેટફોર્મે દેશના મુખ્ય રાજકીય પક્ષોને પણ હવે આ બાબતો પર ગંભીરતાથી વિચારવા મજબૂર કર્યા છે.