આશાબેન ભવાનભાઈ કણઝારીયા નામની મહિલા ચાંદીબજારમાં ખરીદી કરવા ગયાં હતાં. પરત ફરતી વખતે ઓશવાળ સર્કલ પાસે તેમની સોનાના દાગીના ભરેલી થેલી પડી ગઈ હતી. જેમાં સોનાનો હાર અને એક બ્રેસલેટ હતાં.
મહિલાની અરજીના આધારે નેત્રમ શાખાના PSI બી.બી. સિંગલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે વિવિધ સ્થળોના CCTV કેમેરા તપાસ્યા હતા. તપાસ દરમિયાન ઓશવાળ સર્કલ પાસે થેલી પડી હોવાનું અને એક રિક્ષાચાલકે તે ઉપાડી હોવાનું સામે આવ્યું હતું.ત્યારબાદ રિક્ષાના રજિસ્ટ્રેશન નંબરના આધારે RTO ડેટામાંથી રિક્ષાચાલકનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે રિક્ષાચાલક પાસેથી સોનાના દાગીના ભરેલી થેલી મેળવી ગણતરીના કલાકોમાં મહિલાને પરત અપાવી હતી.
આ કામગીરી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પંડ્યાની સૂચના હેઠળ નેત્રમ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. CCTV સર્વેલન્સની મદદથી કિંમતી દાગીના પરત મળતાં અરજદારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.