જામનગર: દડીયામાં સાક્ષી બનવાનો ખાર રાખી ધમકી દીધાની એસઆરપી જવાન સામે ફરીયાદ
જામનગર તાલુકાના દડીયા ગામમાં અગાઉની પોલીસ ફરિયાદમાં સાક્ષી આપવાનો ખાર રાખીને એસઆરપીના પોલીસ કોન્સ્ટેબલે યુવકને રસ્તામાં રોકી તેના ભાઈ તથા ગામના સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જયેશભાઈ ભોજાભાઈ માતંગ (ઉં.વ. ૩૩), રહે. દડીયા ગામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેલા એસ.આર.પી. ના કોન્સ્ટેબલ ભરતભાઈ ખેતાભાઈ ડનેચા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, જયેશભાઈ પોતાની દીકરીને શાળાએ મૂકી બપોરે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગામની દૂધ ડેરી પાસે ભરતભાઈએ તેમની ગાડી અટકાવી હતી. ત્યારબાદ તેમના ભાઈ હીરેન્દ્રભાઈએ ગામના સરપંચ દ્વારા કરાયેલી ફરિયાદમાં સાક્ષી કેમ આપી તે મુદ્દે ઉશ્કેરાઈ ગાળો આપી હતી. સાથે જ સરપંચ અને હીરેન્દ્રભાઈને ગામમાંથી કાઢી મૂકવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પંચકોસી બી. ડિવિઝનના પી.આઇ. વી.જે. રાઠોડ અને તેઓની ટીમે ચેલા એસ.આર.પી.ના કોન્સ્ટેબલ ભરતભાઈ ખેતાભાઈ ડનેચા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.