જામનગરમ: શ્ર્વાન પર ક્રૂર હુમલો કરનાર સામે ફરીયાદ
સીસીટીવી કેમેરાના આધારે પોલીસ દ્વારા એકસેસના નંબર મેળવી કરાતી તપાસ
જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં શ્ર્વાન પર ક્રૂરતાપૂર્વક હુમલો કરાયાની ઘટના સામે આવતા પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. સીસીટીવી કેમેરાના માધ્યમથી પશુ પ્રત્યે ક્રૂરતા દાખવનાર વાહન ના નંબરો મેળવી લઇ તેની સામે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
ગોકુલનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી કલ્પનાબેન ભરતગીરી ગોસાઈ, એનિમલ કેર સંસ્થા સાથે જોડાયેલા છે, તેણીને ગત તા. ૧૭ના વોટ્સએપ ગ્રૂપમાં એક વીડિયો મળ્યો હતો. વીડિયો નિહાળતા કામદાર કોલોની શેરી નંબર ૨ ખાતે રોડની બાજુમાં સુતેલા એક શ્વાન પર એક અજાણ્યા શખ્સે લાકડાની હોકી વડે વારંવાર પ્રહાર કર્યા હોવાનું જોવા મળ્યું હતું.
વીડિયોમાં દેખાતો શખ્સ કાળા રંગના એક્સેસ મોપેડ પર આવ્યો હતો. હુમલો કર્યા બાદ તે પોતાના વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પ્રાણીપ્રેમીઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત શ્ર્વાનને સારવારમાં ખસેડાયો હતો.
ઘટનાના અનુસંધાને પ્રાણીપ્રેમીઓએ સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વાયરલ વીડિયો, વાહન સંબંધિત વિગતો તેમજ અન્ય પુરાવાઓના આધારે આરોપીની ઓળખ કરી તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ ફરિયાદના જાહેર કરાયા અનુસાર તેની પાસે કાળા કલરનું જીજે -૩૭કે-૦૦૯૦ નંબરનું એક્સેસ સ્કૂટર હોવાનું ધ્યાનમાં આવ્યું છે, ત્યારે પોલીસની તપાસ દરમિયાન ચાલક બાબતે ઓળખ મેળવવાની કાર્યવાહી લંબાવી છે.
આ ઘટનાએ શહેરના પ્રાણીપ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. નિર્દોષ અને મૂક પ્રાણીઓ પર અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.