BREAKING NEWS

ખંભાળીયામાં પ્રદેશ ભાજપ કોષાઘ્યક્ષના પતિ સામે મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ

  • September 15, 2026 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયામાં પ્રદેશ ભાજપ કોષાઘ્યક્ષના પતિ સામે મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ


ખંભાળીયા નગરપાલિકા સંચાલિત સિવિક સેન્ટરમાં સ્ટાફ ગેરહાજર રહેતો હોવાની અને અરજદારો પરેશાન થતા હોવાની રજૂઆત કરવા બદલ એક જાગૃત સામાજિક કાર્યકર પર હુમલો કરી ધમકી આપવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.   આ મામલે ખંભાળીયાના પ્રદેશ ભાજપ મહિલા કોષાઘ્યક્ષના પતિ સામે ફરીયાદ કરવામાં આવતા રાજકીય આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

બનાવની વિગત અનુસાર, ખંભાળીયામાં રામનાથ સોસાયટી ખાતે રહેતા અને સામાજિક કાર્યકર તરીકે સેવા આપતા ૩૩ વર્ષીય રવીભાઇ પ્રકાશભાઇ ગોકાણીએ નગરપાલિકાના સિવિક સેન્ટરમાં ફરજ પર કર્મચારીઓ હાજર ન હોવાથી કામ અર્થે આવતા અરજદારો હેરાન થતા હોવાની બાબતે ત્યાંના સુપરવાઈઝર કિંજલબેન શુક્લને ટેલિફોનિક જાણ કરી હતી.  

આ બાબતનો ખાર રાખી કિંજલબેનના બનેવી અને પ્રદેશ ભાજપ મહિલા કોષાધ્યક્ષના પતિ મોહિતભાઇ મોટાણીએ સામાજિક કાર્યકર રવીભાઇને નગર નાકા પાસે આવેલી પોતાની ‘શ્રી રામ નમકીન’ નામની દુકાને બોલાવ્યા હતા. ત્યાં રવીભાઇ પહોંચતા જ આરોપી મોહિત મોટાણીએ ઉશ્કેરાઈ જઈ ભૂંડી ગાળો આપી હતી અને રવીભાઇના ડાબા ગાલ પર જોરદાર ઝાપટ મારી દીધી હતી. સાથે સાથે ભવિષ્યમાં આવી રજૂઆતો ન કરવા અંગે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે રવીભાઇ ગોકાણીની ફરિયાદના આધારે ખંભાળીયા પોલીસે આરોપી મોહિતભાઇ મોટાણી સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૧૫(૨), ૩૫૨ અને ૩૫૧(૩) મુજબ ગુનો નોંધી એ.એસ.આઈ. આર.પી. મેવાડાએ વધુ તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application