દ્વારકા: કલ્યાણપુરના યુવાન પાસે તોતિંગ વ્યાજ વસૂલવા સબબ ફરિયાદ
૪૪.૫૬ લાખ ચુકવી દેવા છતા વારંવાર પઠાણી ઉઘરાણી કરી
કલ્યાણપુરના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં રહેતા મુરૂભાઈ હાજાભાઈ આંબલીયા નામના ૪૯ વર્ષના યુવાનને વર્ષ ૨૦૧૧ ના સમયગાળામાં દ્વારકા નજીક આવેલા મોટા ભાવડા ગામની સીમમાં જમીન ખરીદવી હતી. જે ખરીદી માટે રૂ. ૬૩ લાખની કિંમત નક્કી થઈ હતી. આ જમીન વેચાતી લેવા માટે દસ્તાવેજ કરવા તેમણે રૂ. ૩૮ લાખની રકમ વેંચનાર પાર્ટીને ચૂકવી દીધી હતી. બાકી રહેતા રૂ. ૨૫ લાખ દસ્તાવેજની તારીખે આપવાનું નક્કી થયું હતું.
આ પછી ફરિયાદી મુરુભાઈ આંબલીયા પાસે ૨૫ લાખની રકમની સગવડ થઈ શકી ન હતી. આથી તેમણે આરોપી એવા સવાભાઈ વીરાભાઈ આંબલીયા (રહે. પતીરા વાડી, દેવળીયા ) પાસેથી તા. ૨૯ જુલાઈ ૨૦૧૧ ના રોજ રૂ. ૨૫ લાખની રકમ દ્વારકાની રજીસ્ટ્રાર કચેરી ખાતેથી લીધી હતી. જે બદલ ફરિયાદીએ આરોપીને ૩૦ ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવાનું જણાવ્યું હતું.
ફરિયાદીને આરોપીએ આ દસ્તાવેજ જેસાભાઈ નામના એક આસામીના નામથી કરી આપવાનું જણાવ્યું હતું. આ પછી વર્ષ ૨૦૨૪ સુધીના આશરે ૧૪ વર્ષ જેટલા સમયગાળા દરમિયાન ફરિયાદી મુરુભાઈએ આરોપી સવાભાઈને પુરેપુરા વ્યાજ તેમજ રકમ સહિત કુલ ૪૪ લાખ ૫૬ હજાર ૩૨૨ની રોકડ ચૂકવણી કરી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. આમ છતાં પણ આરોપીએ ફરિયાદી પાસેથી વધુ વ્યાજની વારંવાર ઉઘરાણી કરી, તેમને બિભત્સ ગાળો ભાંડી, વારંવાર વ્યાજ લેવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણ સંદર્ભે પોલીસે બી.એન.એસ. તથા નાણા ધીરધાર અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના મહિલા પી.એસ.આઈ. પાયલબેન ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.