દેશભરના પગલે આજે જામનગરમાં પણ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલ સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વાલીઓને ખાસ અપીલ કરી હતી કે, બાળકોને ઘરમાં પુરી ન રાખો, ભણતરની સાથે રમવા પણ દો, એમણે દેશના દરેક રમતવીરોને એવો સંદેશ આપ્યો હતો કે, તમે ત્રિરંગા માટે રમી રહ્યા છો, સાથે-સાથે વર્તમાન સમાયમાં ઉપલબ્ધ ઇન્ફ્રાસ્કટ્રચરની પણ વાત કરી હતી, પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં આજે લોકો ઉમટી પડયા હતાં, વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપીને પ્રોત્સાહીત કરાયા હતાં.

જામનગર શહેર અને જિલ્લામાં રમતવીરોના કૌશલ્યને વધુને વધુ તક મળે તે માટે જામનગરના પ્રદર્શન મેદાનમાં યુવા શકિતનો ઉત્સવ સાંસદ ખેલ મહોત્સવ યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ હાજર રહ્યા હતાં, આજે સમાપન સમારોહમાં ભાજપના પદાધિકારીઓ, અગ્રણીઓ, ખેલાડીઓ અને સમાજના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં પ્રદર્શન મેદાન ખાતે ઉમટી પડયા હતાં, વિજેતા ટીમોને સાંસદ પૂનમબેન માડમના હસ્તે શિલ્ડ આપવામાં આવ્યું હતું અને મહાનુભાવોએ ખેલાડીઓના કૌશલ્યને બિરદાવીન રમતગમતમાં વધુ ભાર મુકવા અપીલ કરી હતી.
આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજે કેટલાક કિસ્સામાં વાલીઓ પણ તેમના સંતાનોને રમતગમત માટે રોકતા હોય છે, માટે હું વાલીઓને પણ અપીલ કરૂ છું કે તેમને તેમની રમત રમવા દેવી જોઇએ, ખેલાડીઓને ત્રિરંગા માટે દેશ માટે રમવાનું છે, આગામી દિવસોમાં અનેક મહોત્સવ આવી રહ્યા છે, ઉપરાંત ખેલાડીઓ સારી રીતે રમી શકે તે માટે કેન્દ્ર અને રાજય સરકાર સગવડતા પણ વધુ આપી રહી છે, આશરે ૪ હજાર કરોડ જેટલું બજેટ પણ ખેલ મંત્રાલયે રાખ્યું છે ત્યારે રમતવીરોને પણ પોતાનું કૌશલ્ય જાળવીને દેશ માટે રમવા માટે વડાપ્રધાને અપીલ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકાર રમતવીરોમાં રહેલી શકિતને બહાર લાવવા માટે જે રીતે પ્રયત્ન કરી રહી છે તેમાં સૌ કોઇએ સાથ આપવાની જરૂર છે, બાળકોમાં રમતગમતનો વ્યાપ વધે અને તે જુદી-જુદી રમતોમાં જોડાય તે માટે પણ હું તેઓને અપીલ ક છું કે અભ્યાસની સાથે થોડુ રમતગમતમાં પણ ઘ્યાન આપો.
આજે ખેલ મહોત્સવના સમારોહ નિમિતે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિવસ નિમિતે તેમની તસવીરને મહાનુભાવોએ ફુલહાર કરીને શ્રઘ્ધાસુમન અર્પણ કર્યા હતાં અને તેમની કામગીરીને પણ યાદ કરી હતી.

આજે સવારે પ્રદર્શન મેદાનમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં જેમાં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ મયીબેન ગરચર, ધારાસભ્યો અને પૂર્વ મંત્રી રાઘવજીભાઇ પટેલ, દિવ્યેશ અકબરી, મેઘજીભાઇ ચાવડા, મુળુભાઇ બેરા, વસુબેન ત્રિવેદી, મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન નિલેશ કગથરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, બ્રિજરાજસિંહ જાડેજા, ચીરાગ કાલરીયા ઉપરાંત ભાજપના શહેર પ્રમુખ બિનાબેન કોઠારી, જીલ્લા પ્રમુખ વિનુભાઇ ભંડેરી, લોહાણા સમાજના ગુજરાત પ્રમુખ જીતુભાઇ લાલ, દ્વારકા જિલ્લાના પ્રમુખ મયુરભાઇ ગઢવી, પૂર્વ મેયર અમીબેન પરીખ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
જામનગર લોકસભા ક્ષેત્રમાં યોજાયેલા આ યાદગાર મહોત્સવમાં અઢી લાખ જેટલા યુવા ભાઇ બહેનોએ ફીટ ઇન્ડિયાના દર્શન કરાવવાની સાથે મહોત્સવને મહામહોત્સવ બનાવવામાં આવ્યો છે. રમતવીરોના રોમાંચ સાથે ૨૫મીએ જામનગર ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓના સાંસદ પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ ૧૨-જામનગર લોકસભા ક્ષેત્રમાં સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫નું આગામી તા.૧૮ થી ૨૫ ડિસેમ્બર સુધી અંતિમ ચરણ યોજાયો હતો.

૧૨-જામનગર લોકસભા ક્ષેત્રમાં જામનગર-દેવભૂમિ દ્વારકા ઉપરાંત મોરબીના આમરણ ચોવીશી વિસ્તાર ગ્રામ્ય કક્ષાએ યોજાયેલા આ મહોત્સવમાં અઢી લાખ જેટલા યુવા ભાઇ બહેનોએ ફીટ ઇન્ડિયાના દર્શન કરાવીને મહામહોત્સવ બનાવ્યો છે આ ખેલ મહોત્સવ દરમ્યાન હાલારના બંને જીલ્લાઓમાંથી પ્રતિભાઓ ઉભરી આવી હોય આગામી કોમનવેલ્થ ગેમ્સમાં હાલારભરના સ્થાનીક ખેલાડીઓ જોવા મળશે તેવી આ રમત ગમત હરીફાઇને જબરી લોકપ્રિયતા મળી રહી છે.
જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા ક્ષેત્રમાં સંસદસભ્ય પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ યુવાશકિતને રમતગમત સાથે જોડવા હેતુસર સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનું આયોજન ગ્રામ્ય કક્ષા, નગર કક્ષા, મહાનગર ઝોન કક્ષા તથા જીલ્લા કક્ષાએ કરવામાં આવ્યુ હતું, જેથી દરેક સ્તરના ખેલાડીઓને પોતાની પ્રતિભા રજુ કરવાની સમાન તક મળી રહે તેમજ આ મહોત્સવ અંતર્ગત દોડ, સંગીત ખુરશી, કબડ્ડી, ખો-ખો, નારગોલ, રસા ખેંચ, વોલીબોલ, બાસ્કેટબોલ, કુસ્તી તથા ક્રિેકેટ જેવી વિવિધ રમતો યોજાઇ હતી.

આ મહોત્સવ દ્વારા ખેલ ભાવના, શિસ્ત, ટીમવર્ક અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળ્યુ છે અને જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા ક્ષેત્રના તમામ ખેલાડીઓ અને રમતપ્રેમીઓએ આ ખેલ મહોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે ખાસ કરીને નોંધપાત્ર બાબત એ છે કે આ મહોત્સવ માટે અઢીલાખ જેટલી રેકોર્ડ બ્રેક એન્ટ્રી થતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓમાં વિવિધ સ્થળોએ યોજાયેલો મહોત્સવ મહામહોત્સવ બની ગયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રની યુવા શકિતના ઉજાગરનો અને પ્રતિભા નિખરી આવે તેવો દીર્ઘતાભર્યો હેેતુ સિદ્ધ કરનાર આ ૧૨-જામનગર લોકસભા ક્ષેત્રના સાંસદ ખેલ મહોત્સવને નવી બુલંદી પ્રાપ્ત થઇ હોય તેમજ કેન્દ્ર સરકારના રમત ગમત મંત્રી મનસુખભાઇ માંડવીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતની જેમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓના યુવા ભાઇ બહેનોએ થનગનાટ પૂર્વક ભાગ લીધો હોય આ મહોત્સવ ઐતિહાસિક અને યાદગાર બની ગયો હતો.

સાંસદ ખેલ મહાકુંભમાં વડાપ્રધાનનો રોલ ખુબ જ મહત્વનો છે, વડાપ્રધાને વિચાર રજૂ કર્યો હતો કે, તમામ જિલ્લામાં ખેલ મહાકુંભનું આયોજન થવું જોઇએ, જેના અનુસંધાને હાલારમાં આ મહોત્સવ યોજાયો હતો, રમતવીરોને કહ્યું હતું કે, માત્ર જીતવા માટે જ ન રમો, તમે ટીમ સ્પીરીટ દાખવીને આત્મવિશ્ર્વાસ કેળવો, ૨૦૨૫ની સાલમાં વડાપ્રધાને રૂ.૪ હજાર કરોડનું રમતગમતનું બજેટ ફાળવ્યું છે ત્યારે ફીટ ઇન્ડીયા મુવમેન્ટ તેઓ આ ખેલને નશામુકત ભારત અભિયાન સાથે પણ જોડે છે અને ખાસ કરીને દિકરીઓની ભાગીદારી પર વડાપ્રધાને ભાર મુકયો હતો. ગામડામાં રહેલી પ્રતિભાઓને પ્રોત્સાહન મળે તે માટે ખેલો ઇન્ડીયાના ભાગરૂપે જામનગર સહિત અનેક જિલ્લામાં આ સાંસદ ખેલ મહોત્સવ યોજાયો હતો જેમાં અસંખ્ય ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આજે તેનું સમાપન થયું હતું.