BREAKING NEWS

દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસની માંગ

  • October 15, 2026 12:19 PM 

દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસની માંગ

કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને મગફળીનું પાર્સલ કરીને દર્શાવ્યો નવતર વિરોધ: ૩૦ ઓકટો. સુધીમાં દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરાય તો ખેડુતોનું વિશાળ સંમેલન યોજવાની અપાઇ ચીમકી

સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ દ્વારકા જિલ્લામાં નોંધાયો છે, નહિંવત વરસાદના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ વધુ તેજ બની છે. આ મુદે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજય સરકાર સામે અનોખો વિરોધ દર્શાવી મુખ્યમંત્રીને મગફળીનું પાર્સલ કુરીયર મારફતે મોકલાવાયુ છે. 

મોસમનો ૧૬ ટકા જેટલો વરસાદ દ્વારકા જિલ્લામાં નોંધાયો છે આવી જ પરિસ્થિતિ જામનગર અને પોરબંદર જિલ્લાની છે. અન્ય રાજયો મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકાર પોતાના વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહત આપે છે તો ગુજરાત સરકાર શા માટે નિર્ણય લેવામાં વિલંબ કરી રહી છે. તેમ કોંગ્રેસ નેતા પાલભાઇ આંબલીયા સુચક પ્રશ્ર્ન કર્યો હતો. 

હાલ આસો મહિનો ચાલી રહ્યો છે અને ખેડુતો માટે મગફળી ઉપાડવાનનો સમય થઇ ગયો છે પરંતુ ખેતરોમાં ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો છે, તેથી ખેડુતો અને કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી મુકવામાં આવી છે સાથોસાથ ખેડુતોનું પાક ધિરાણ માફ કરવું, દર ૭ કિ.મી.ના વિસ્તારમાં ઘાસચારા વિતરણ કેન્દ્ર શરૂ કરવા, મજુરો માટે રાહતકામો ચાલુ કરવા, પાંજરાપોળ અને ગૌશાળાઓને સબસીડી ચુકવવી, તથા સૌની યોજના દ્વારા જિલ્લાના ડેમો ભરવા જેવી તમામ બાબતોનો તાકીદે અમલ કરવા માંગણી કરાઇ છે. 

કોંગ્રેસ સમિતિએ રાજય સરકારને ૩૦ ઓકટોબર સુધીનુ અલ્ટીમેટમ આપ્યું છે જો ૩૦ ઓકટોબર સુધીમાં દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહિ આવે તો ૩૧ ઓકટોબરે જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાનાં ખેડુતોનુ વિશાળ સંમેલન યોજી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application