BREAKING NEWS

જામનગરમાં મેડીકલ કોલેજની જગ્યામાં મનપા દ્વારા વોર્ડ ઓફીસનું બાંધકામ..!

  • August 28, 2026 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મેડીકલ કોલેજની જગ્યામાં મનપા દ્વારા વોર્ડ ઓફીસનું બાંધકામ..!

અહો આશ્ર્ચર્યમ: નિયમ મુજબ કોઇ મંજૂરી વગર મન૫ાની કામગીરીથી ભારે વિવાદ

મહાપાલીકાની બેદરકારી કે અણઆવડત તે સળગતો સવાલ: જવાબદાર કોણ..?

જામનગરમાં સરકારી એમ.પી.શાહ મેડીકલ કોલેજની પીઆઇયુ હસ્તકની જગ્યામાં મનપાએ નિયમ મુજબ કોઇપણ પ્રકારની મંજૂરી વગર વોર્ડ ઓફીસનું બાંધકામ કરતા આ મુદે ભારે વિવાદનો વંટોળ સર્જાયો છે. આ કામગીરી મહાનગરપાલીકાની અણઆવડત કે બેદરકારી છે તે સળગતો સવાલ ઉઠયો છે અને મંજૂરી વગર કામગીરી પાછળ મનપાના કયાં અધિકારીઓ જવાબદાર છે તે તપાસનો વિષય બન્યો છે. 

જામનગરમાં  ગેરકાયદેસર બાંધકામ અને સરકારી જમીન પર દબાણ દૂર કરવાની જવાબદારી જેમના શીરે છે તે મહાનગરપાલીકાએ શહેરમાં આવેલી સરકારી એમ.પી.શાહ મેડિકલ કોલેજની પીઆઇયુ હસ્તકની જમીન પર નિયમ મુજબ કોઇપણ પ્રકારની મંજૂરી લીધ વગર ગેરકાયદે દબાણ કરી નવી વોર્ડ ઓફિસ બનાવવાની કરેલી કામગીરીથી ભારે વિવાદ સર્જાયો છે. વોર્ડ નં.૩માં નર્સીંંગ ક્વાર્ટર પાસે મહાનગરપાલિકા દ્વારા આ વોર્ડ ઓફીસનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે મેડીકલ કોલેજના ડીન ડો.નંદીનીબેન દેસાઇએ જણાવ્યું હતું કે, મેડીકલ કોલેજની જગ્યામાં કોઇ બાંધકામ મહાપાલીકાએ કરવું હોય તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મંજૂરી લેવી પડે છે. પરંતુ આ પ્રકારની કોઇ મંજૂરી વગર મનપાએ વોર્ડ ઓફીસનું બાંધકામ કરતા હાલ બાંધકામ અટકાવવા મનપાના કમિશનર અને ચીફ એન્જિનિયરને જાણ કરવામાં આવી છે. આટલું જ નહીં  જગ્યાનું રક્ષણ કરવા બાઉન્ડ્રી વોલ બનાવવા સરકારમાં દરખાસ્ત મોકલાઇ છે. જેના બાંધકામ માટેની ટેન્ડર પ્રક્રિયા હાલમાં પ્રગતિ હેઠળ છે. ત્યારે મનપાએ સરકારી મેડીકલ કોલેજની પીઆઇયુ હસ્તકની જમીનમાં મંજૂરી વગર વોર્ડ ઓફીસની કામગીરી કરતા આ મુદો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application