જામનગર: કાલાવડના ખંઢેરા પાસે કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો
બે શખ્સો પકડાયા : ૨૦ કીલો વાયર, બાઇક, મોબાઇલ કબ્જે
કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં આવેલા કુંભેશ્વર મંદિર નજીક ફુલઝર-૧ નદી કાંઠે ૬ ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાથરવામાં આવેલા ઇલેક્ટ્રિક કોપર વાયર અજાણ્યા શખ્સોએ ચોરી કરી હતી જે ફરીયાદના આધારે ગ્રામ્ય પોલીસે તપાસ કરી ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખી બે શખ્સોને મુદામાલ સાથે પકડી લીધા છે.
આ અંગે નાગપુર ગામના મૂળ રહેવાસી અને હાલ કાલાવડના કૃષ્ણા-૨ વિસ્તારમાં રહેતા જતીનભાઈ પ્રવિણભાઈ કપુરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમની ૧૦ વિઘા ખેતીની જમીન ખંઢેરા ગામની સીમમાં આવેલી છે, જ્યાં સિંચાઈ માટે ફુલઝર-૧ નદીમાં મોટર મૂકી આશરે ૨૫૦ ફૂટનો કોપર કેબલ વાયર પાથરવામાં આવ્યો હતો.
ગત ૧૧ જૂનની રાત્રે પાણી આપ્યા બાદ વીજ પુરવઠો બંધ થતાં તેઓ ઘરે પરત ફર્યા હતા. બીજા દિવસે સવારે વાડી પર પહોંચીને મોટર ચાલુ કરવાનો પ્રયાસ કરતાં મોટર શરૂ ન થતાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન નદીમાં મોટરથી સ્ટાર્ટર સુધી પાથરેલો આશરે ૨૫૦ ફૂટ કેબલ વાયર કોઈ ધારદાર હથિયારથી કાપી ચોરી કરી લઈ જવાયો હોવાનું જાણવા મળ્યું હતું.
બાદમાં આસપાસના ખેડૂતોને જાણ કરતાં પંકજભાઈ રણછોડભાઈ કપુરીયા, રવજીભાઈ ડાયાભાઈ કપુરીયા, રમેશભાઈ દેવજીભાઈ કપુરીયા, વ્રજેશભાઈ જેરામભાઈ કાનાણી અને ગીરધરભાઈ ગોરધનભાઈ કપુરીયાના કેબલ વાયર પણ જુદી-જુદી લંબાઈમાં ગાયબ હોવાનું બહાર આવ્યું હતું.
ફરિયાદ મુજબ જતીનભાઈનો આશરે ૨૫૦ ફૂટ કેબલ વાયર કિંમત રૂ. ૭,૫૦૦ તથા અન્ય ખેડૂતોનો આશરે ૩૮૦ ફૂટ કેબલ વાયર કિંમત રૂ. ૧૧,૪૦૦ મળી કુલ ૬૩૦ ફૂટ કેબલ વાયર કિંમત અંદાજે રૂ. ૧૮,૯૦૦ની ચોરી થઈ હોવાનું જણાવાયું હતું.
ફરીયાદ આધારે ગ્રામ્ય ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ કાલાવડ ગ્રામ્યના પીઆઇ આંબલીયા અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી બનાવ સ્થળે વિઝિટ કરી પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફને મળેલ ચોકકસ બાતમી આધારે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો, ચોરી કરનાર બે ઇસમ વડી પાટીયા પાસે નદીના વોકળા બાવળની કાંટમાં ચોરી કરેલ કોપર કેબલ સળગાવે છે તેવી બાતમીના આધારે ત્યાં જઇ હાલ ખંઢેરા સીમ મુળ બોટાદના ગઢડા તાલુકાના દેરાળા ગામના ધીરુ ઉર્ફે બંસી મનજી વાઘેલા અને મુળ જામનગરના ગુલાબનગર હાલ ખંઢેરા પાટીયે રહેતા પિન્ટુ મુકેશ પરમારને પકડી લીધા હતા તેની પાસેથી ૨૦ કીલો બળેલ વાયર, મોટરસાયકલ નં. જીજે૧૦આર-૮૯૨૪, એક કુહાડો, બે મોબાઇલ મળી મુદામાલ કબ્જે કર્યો હતો.