BREAKING NEWS

જામનગર શહેરમાં કચરો ઉપાડવામાં ભ્રષ્ટાચારની ફરિયાદો વચ્ચે વધુ એક રૂ.૬૫ કરોડનું ટેન્ડર..!

  • August 27, 2026 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં કચરો ઉપાડવામાં ભ્રષ્ટાચારની ફરિયાદો વચ્ચે વધુ એક રૂ.૬૫ કરોડનું ટેન્ડર..!

એજન્સીઓ અને મનપાના અધિકારીઓની સાંઠગાઠનો કોંગ્રેસના નગરસેવિકાનો આક્ષેપ 

ડમ્પીંગ પોઇન્ટ પરથી કચરો ઉપાડવાનું તોતીંગ રકમનું ટેન્ડર રદ કરવા કમિશ્ર્નરને રજૂઆત 

જામનગરમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં ભ્રષ્ટાચારની ફરિયાદો વચ્ચે વધુ એક ૬૫ કરોડનું ટેન્ડર મનપાએ બહાર પાડતા આ તોતીંગ રકમનું ટેન્ડર રદ કરવા કોંગ્રેસના નગરસેવિકાએ કમિશ્ર્નરને રજૂઆત કરી છે. જેમાં એજન્સીઓ અને મનપાના અધિકારીઓની સાંઠગાઠ હોવાનો આક્ષેપ પણ કર્યો છે. 

જામનગરના વોર્ડ નં.૧૨ના કોંગ્રેસના નગરસેવિકા સહારાબેન મકવાણાએ કમિશ્ર્નરને કરેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર મનપામાં અધિકારીઆ અને શાસક પક્ષ  દ્વારા કેવી રીતે ભ્રષ્ટાચાર કરવો તેના નીતનવા કિમીયા શોધી કાઢવામાં આવે છે. જામ્યુકો દ્વારા શહેરના જુદા જુદા વોર્ડમાંથી ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા જુદી-જુદી એજન્સીઓને અઢીસો કરોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેમાં અગાઉથી જ વધારે ભાવ નકકી કરી ચોકકસ કંપનીને કોન્ટ્રાકટ મળી રહે તે રીતે ટેન્ડરમાં શરતો રાખી અધિકારીઓ અને કંપનીઓ મીલાપી થઇ બેફામ લૂંટ ચલાવી રહ્યાનો આક્ષેપ કર્યો છે. બીજી બાજુ મનપા દ્વારા વેસ્ટ ટુ એનર્જી કંપની કે જે કચરામાંથી વીજળી ઉતપન્ન માટે મનપા તરફથી જગ્યા આપવામાં આવી છે અને ૧૦૦ કરોડથી વધુના એમઓયુ થયા છે. પરંતુ હાલ આ કં૫ની બંધ છે. આથી ગુલાબનગર પાસે ડમ્પીંગ પોઇન્ટ પર કચરાના ડુંગર ખડકાયા છે. ત્યારે ડોર ટુ ડોર કચરો ઉ૫ાડવા અઢીસો કરોડના કોન્ટ્રાકટ કે જેમાં મસમોટા ભ્રષ્ટાચારની ફરિયાદો છાશવારે ઉઠી રહી છે. ત્યારે ડમ્પીંગ સાઇટ પરથી કચરો ઉ૫ાડવા મનપાએ રૂ.૬૫ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પણ મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મીલીભગત હોવાનો આક્ષેપ કર્યો છે. આટલું જ નહીં શું કચરો એકત્ર કરનાર કંપનીઓ ડમ્પીંગ સાઇટ પરથી કચરો ઉપાડી ન શકે તેવો સવાલ ઉઠાવી કચરાના કામમાં ભ્રષ્ટાચાર અટકાવવા આ ટેન્ડર રદ કરવા કોંગી નગરસેવિકાએ માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application