ભાણવડ: બરડા અભ્યારણ્યમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
પોરબંદર વન વિભાગ દ્વારા ૧૦૦૦ લીટર કાચો આથો સ્થળ પર જ નાશ કરાયો
પોરબંદર વન વિભાગ દ્વારા પ્રતિબંધિત અને સંવેદનશીલ ગણાતા બરડા અભ્યારણ્ય વિસ્તારમાં એક મોટી સફળતા મેળવીને દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી શોધી કાઢવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદગુડે અને મદદનીશ વન સંરક્ષક રાજલબેન પાઠકના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
વન વિભાગની ટીમ જ્યારે જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ એટલે કે ફેરણા પર હતી, તે દરમિયાન તા. ૩૦/૦૫/૨૦૨૬ ના રોજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી જી.આર. ભેસાણીયાની ટીમ દ્વારા આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ટીમ જ્યારે ભાણવડ રેન્જના પાછતર રાઉન્ડમાં સમાવિષ્ટ બરડા અભ્યારણ્ય જંગલની અંદર આવેલી ઢેઢીયા બીટમાં તપાસ કરી રહી હતી, ત્યારે ઢેઢીયા નેસની નજીકના વિસ્તારમાંથી આ ગેરકાયદેસર દેશી પીવાના દારૂની ભઠ્ઠી ધમધમતી મળી આવી હતી.
વન વિભાગની ટીમે દરોડો પાડીને ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવાનો સામાન અને સામગ્રી જપ્ત કરી હતી, જેમાં પ્લાસ્ટિકના ૩ નંગ બેરલ અને લોખંડના ૧૦ નંગ બેરલ મળી આવ્યા હતા. આ લોખંડના બેરલોમાં ૪ નંગ બોઇલર બેરલ અને ૪ નંગ પાણીના બેરલનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, વન્ય વિસ્તારમાં દેશી દારૂ ગાળવા માટે તૈયાર રાખવામાં આવેલો અંદાજીત ૧૦૦૦ લીટર જેટલો કાચો આથો પણ ૫ નંગ બેરલમાંથી મળી આવ્યો હતો. જંગલની અંદર ગેરકાયદે પ્રવૃત્તિ ડામવા માટે વન વિભાગની ટીમે આ તમામ મુદ્દામાલનો ઘટનાસ્થળ પર જ તાત્કાલિક નાશ કર્યો હતો."
આ દરોડા દરમિયાન વન વિભાગની ટીમને જોઈને ગુન્હા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓ જંગલની ઝાડીઓનો લાભ લઈને સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યા હતા, જેમને પકડી પાડવા માટે વન વિભાગ દ્વારા હાલ સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
અભ્યારણ્ય જેવા સુરક્ષિત વન વિસ્તારમાં ઘૂસણખોરી કરીને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની વિવિધ કલમોની જોગવાઈ મુજબ ગુન્હો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગની આ કડક કાર્યવાહીથી જંગલ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.