BREAKING NEWS

જામનગર વકીલ મંડળ દ્વારા એડવોકેટ મણીલાલ અનડકટની સ્મૃતિમાં રાત્રિ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા બાય બાય નવરાત્રીનું ભવ્ય આયોજન

  • October 20, 2026 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર વકીલ મંડળ દ્વારા એડવોકેટ મણીલાલ અનડકટની સ્મૃતિમાં રાત્રિ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા બાય બાય નવરાત્રીનું ભવ્ય આયોજન

આજકાલ કાર્યાલય 
જામનગર
જામનગર વકીલ મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સ્વ. એડવોકેટ મણીલાલ એલ. અનડકટની પાવન સ્મૃતિમાં આગામી તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ અને ૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ સ્થાનિક સુમેર ક્લબ ખાતે રાત્રિ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ તા. ૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે ૫:૦૦ થી ૬:૩૦ વાગ્યા દરમિયાન સુમેર ક્લબના ગ્રાઉન્ડ પર બાય બાય નવરાત્રી ૨૦૨૬ અંતર્ગત બહેનો માટે રાસ-ગરબાનું વિશેષ આયોજન પણ રાખેલ છે. રાસ-ગરબામાં રમવા ઈચ્છુક બહેનોને સમયસર ઉપસ્થિત રહેવા જણાવાયું છે, જ્યારે રાસ રમવા ઈચ્છુક વકીલ ભાઈઓ માટે રાસના અલગ રાઉન્ડ રાખવામાં આવશે.
​​​​​​​

આગામી રાત્રિ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઈચ્છુક વકીલ મિત્રોની ટીમો માટે તા. ૧૯ ઓક્ટોબર ૨૦૨૬થી ૨૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી સવારે ૧૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા દરમિયાન ઝેરોક્ષ રૂમમાંથી એન્ટ્રી ફોર્મ મેળવી શકાશે. ફોર્મ તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં જોઈન્ટ સેક્રેટરી દીપકભાઈ ગચ્છર, લાઈબ્રેરી સેક્રેટરી જે. આર. જાડેજા, અથવા કારોબારી સભ્ય વનરાજભાઈ મકવાણા કે દીપકભાઈ ભાલાળાને જમા કરવાના રહેશે.

આ ટુર્નામેન્ટમાં મહિલા ધારાશાસ્ત્રીઓની ટીમ અંગે એવી જોગવાઈ કરાઈ છે કે જો બહેનોની ઓછામાં ઓછી બે ટીમ નોંધાશે તો બંને વચ્ચે મુકાબલો રમાડી વિજેતા જાહેર કરાશે. બે કરતાં વધુ ટીમો થશે તો હોદ્દેદારો દ્વારા યોગ્ય નિર્ણય લેવાશે, પરંતુ જો માત્ર એક જ ટીમ નોંધાશે તો મેચ નહીં રમાય. આ સ્પર્ધામાં જામનગર બારના સભ્યો, તેમની સાથે કાર્યરત લો સ્ટુડન્ટ્સ અને જુનિયર વકીલો જ ભાગ લઈ શકશે. અન્ય બારના સભ્યો કે બિન-વકીલ બાહ્ય વ્યક્તિને ટીમમાં સમાવી શકાશે નહીં.

સ્પર્ધામાં આવેલી ટીમોનો ડ્રો તારીખ ૨૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે વકીલ મંડળ ખાતે યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જજની ટીમને ટુર્નામેન્ટમાં વિશેષ આમંત્રણ આપવામાં આવશે. સ્પર્ધા અંગેના વિસ્તૃત નિયમો ફોર્મમાં દર્શાવેલા છે, તેમજ કોઈપણ ફેરફાર કરવાનો અધિકાર જામનગર વકીલ મંડળના હોદ્દેદારો પાસે સુરક્ષિત રહેશે જે તમામને બંધનકર્તા રહેશે, તેમ વકીલ મંડળના પ્રમુખ ભરત સુવા અને સેક્રેટરી મનોજ ઝવેરી દ્વારા સંયુક્ત યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application