ઓખામાં માછીમાર યુવાનને ફોન આવ્યો અને છરીથી નસ કાપીને કર્યો આપઘાત
અચાનક ભરેલા આત્મઘાતી પગલાથી અરેરાટી : કારણ જાણવા મરીન પોલીસની તપાસ
ઓખામાં એક માછીમાર યુવાનને મોબાઇલ કોલ આવ્યો હતો વાત કરતા કરતા અચાનક તેણે છરી વડે પોતાના હાથની નસ કાપીને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવતા ભારે અરેરાટી ફેલાઇ જવા પામી છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર ખાતે રહીને માછીમારી કામ કરતા અનિલકુમાર શંકરભાઈ રાઠોડ નામની ૩૩ વર્ષના યુવાન સોમવારે સાંજના સમયે તેમની બોટ પર એન્જિન ઓઈલ ચેક કરી રહ્યા હતા.
તે દરમિયાન તેમના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો હતો અને ફોન ઉપર વાત કરતા કરતા તેમણે અચાનક પોતાના ગળામાં પહેરેલી જાળ કાપવાની છરી (ચાકુ) વડે પોતે પોતાના હાથે પોતાના ગળામાં છરી મારી લીધી હતી. આનાથી તેમના ગળાની નસ કપાઈ જતા લોહી લુહાણ હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પ્રજ્ઞેશભાઈ મુકેશભાઈ રાઠોડએ ઓખા મરીન પોલીસને કરી છે.