વિ.સં. ૨૦૮૩ના પ્રારંભે ધાર્મિક ઉત્સવ દરમ્યાન રવિવારે સાંજે ૪.૩૦ કલાકે અન્નકૂટ દર્શન આરતી અને રાત્રે ૮.૩૦ કલાકે ૫૧ દિવાની મહાઆરતી બાદ પ્રસાદ વિતરણ
છોટી કાશી જામનગરમાં તળાવની પાળ પર આવેલા વિશ્વ પ્રસિઘ્ધ શ્રી બાલા હનુમાન મંદિર પર વિક્રમ સંવત ૨૦૮૩ના પ્રારંભે છપ્પન ભોગ અન્નકૂટ દર્શનનું આયોજન આગામી તા.૨૯ નવેમ્બરના રવિવારે કરવામાં આવ્યું છે.
વિશ્વ કક્ષાના વિક્રમોની નોંધ લેતી ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડઝમાં બે વાર સ્થાન પામનાર જામનગરના બાલા હનુમાન મંદિરમાં સતત ૬૩માં વર્ષે પણ અખંડ રામનામ જાપ અવિરત રીતે ચાલી રહ્યો છે. આ રીતે વિશ્વ ખ્યાતિ બનેલી શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધુન એ માત્ર જામનગર કે ગુજરાતનું જ નહીં દેશનું ગૌરવરૂપ બની છે. શહેરના બાલા હનુમાન મંદિર પર આગામી તા.૨૯-૧૧-૨૬ના રવિવારે છપ્પન ભોગ અન્નકૂટ દર્શન સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે બપોર પછી ૪.૩૦ કલાકે વિશેષ આરતી સાથે છપ્પન ભોગ અન્નકૂટ દર્શન ખૂલશે જેનો લાભ રાત્રે ૯ વાગ્યા સુધી ભાવિકોને મળશે. આ ધાર્મિક ઉત્સવ અવસરે સંઘ્યા આરતી નિયત સમયના બદલે રાત્રે ૮-૩૦ કલાકે ૫૧ દિવાની મહાઆરતીરૂપે થશે. ભાવિકજનોને આ અન્નકૂટ દર્શનનો લાભ લેવા શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઇ લાલ અને ટ્રસ્ટી મંડળે અનુરોધ કર્યો છે.