BREAKING NEWS

ખંભાળિયા પાલિકા ચીફ ઓફિસરની ચેમ્બરના દ્વારે મૃત શ્ર્વાન અને માછલાં મૂકી જતાં ચકચાર

  • October 09, 2026 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા પાલિકા ચીફ ઓફિસરની ચેમ્બરના દ્વારે મૃત શ્ર્વાન અને માછલાં મૂકી જતાં ચકચાર

તીવ્ર દુર્ગંધથી કર્મચારીઓ ઓફિસ છોડી બહાર નીકળ્યા: ઘટના અંગે પાલિકાના કર્મચારીઓમાં મૌન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાની નગરપાલિકા કચેરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ચીફ ઓફિસરની ચેમ્બરના મુખ્ય દરવાજા પાસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મૃત શ્ર્વાન ટીંગાડી દેવાયું હતું તેમજ મૃત માછલાં પણ મૂકી દેવામાં આવ્યા હતા. આ અમાનવીય કૃત્યના પગલે કચેરી પરિસરમાં થોડા સમય માટે ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.

મૃત શ્વાન અને માછલાંના કારણે સમગ્ર કચેરીમાં અસહ્ય તીવ્ર દુર્ગંધ ફેલાઈ જતાં ત્રસ્ત બનેલા કર્મચારીઓ પોતાની ઓફિસ છોડીને બહાર જતા રહ્યા હતા. આ શરમજનક ઘટના કોણે આચરી તે અંગે પાલિકાના કર્મચારીઓમાં મૌન જોવા મળ્યું હતું, જ્યારે આ સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાએ જોર પકડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ખંભાળિયા નગરપાલિકામાં નિવૃત્ત કર્મચારીઓના બાકી નાણાંની ચૂકવણી ન થવાના મામલે સફાઈ કામદારો દ્વારા લાંબા સમયથી આંદોલન અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ ઘટના બાદ સફાઈ કર્મી મહામંડળના આગેવાન રમેશભાઈ વાઘેલાએ આક્રોશ વ્યક્ત કરતા ગંભીર આક્ષેપ કર્યો છે કે, હક્ક અને અધિકાર માટે લડી રહેલા આંદોલનકારી સફાઈ કામદારોને બદનામ કરવાના ષડયંત્રના ભાગરૂપે પાલિકાના જ સફાઈ વિભાગના અધિકારીઓ દ્વારા આ અરૂચિકર કૃત્ય કરવામાં આવ્યું છે. પાલિકા કચેરીમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક રાજકીય તેમજ વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને પાલિકા તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application