જામનગરમાં દિલ્હી દરબાર રેસ્ટોરન્ટમાંથી અધધ..રૂ.૧૦.૩૯ લાખની વીજચોરી ઝડપાઈ
પીજીવીસીએલના ચેકીંગમાં ગેરરીતી ખૂલતા સંચાલક સામે વીજ પોલીસ મથકમાં ફરિયાદ
મીટર ન હોવા છતાં વીજ વપરાશ, અગાઉ પણ રૂ.૪.૭૬ લાખની પાવરચોરી પકડાઇ તી
જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા વીજચોરી અને વીજવપરાશમાં ગેરરીતિ શોધવા માટે હાથ ધરવામાં આવેલી ચેકિંગ ઝુંબેશ દરમિયાન ગુલાબનગર રોડ પર આવેલા દિલ્હી દરબાર રેસ્ટોરન્ટમાંથી ૧૦.૩૯ લાખ ની વીજચોરી ઝડપાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન દિલ્હી દરબાર રેસ્ટોરન્ટના વીજજોડાણની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં મીટર ન હોવા છતાં ગેરકાયદે વીજવપરાશ કરવામાં આવતો હોવાનું સામે આવતા વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન સ્થળ પરથી વીજચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલ સામાન કબજે લેવામાં આવ્યો હતો તેમજ સ્થળ રોજકામ, ચેકિંગ સીટ, વીજચોરીના પુરવણી બિલનું ગણતરી પત્રક, સીઝર મેમો તથા સ્થળનો નકશો સહિતના દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. પીજીવીસીએલના અધિકારી દ્વારા આ મામલે જામનગરના જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટેશનમાં રૂ.૧૦.૩૯ લાખની વીજ ચોરીની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના આધારે દિલ્હી દરબાર રેસ્ટોરન્ટના સંચાલક સામે વીજચોરી અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પીજીવીસીએલ દ્વારા શહેરમાં વીજચોરી સામે ચેકિંગ કામગીરી વધુ તેજ બનાવવામાં આવી હોવાથી આગામી દિવસોમાં પણ વીજચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આજ હોટલમાંથી અગાઉ પણ તા. ૨૭.૦૪.૨૦૨૫ ના રોજ રૂ. ૪.૭૬ લાખની વીજ ચોરી પકડાઈ હતી હાલ તપાસ દરમિયાન આ બીજી વખત પકડાઈ છે.