BREAKING NEWS

દ્વારકા: છાત્રાના ફોટો-વિડીયો વાયરલ કરી ૫ લાખની ખંડણી માંગનાર દિલ્હીનો શખ્સ ઝડપાયો

  • August 11, 2026 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: છાત્રાના ફોટો-વિડીયો વાયરલ કરી ૫ લાખની ખંડણી માંગનાર દિલ્હીનો શખ્સ ઝડપાયો

દ્વારકા સાયબર ક્રાઇમની કાર્યવાહી: પબજી ગેમ વડે બીટેકની છાત્રાનો સંપર્ક કેળવ્યો 

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મીત રુદલાલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસે એક ગંભીર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. 

અમદાવાદ ખાતે બી.ટેક એન્જીનીયરીંગનો અભ્યાસ કરતી એક યુવતી સાથે પબ્ઝી ગેમ મારફતે સંપર્ક કેળવી, વિશ્વાસમાં લઈ, તેને મિત્ર બનાવી અંગત ફોટોગ્રાફ્સ અને વિડીયો મેળવી લેવામાં આવ્યા હતા. બાદમાં મિત્રતા તૂટી જતાં આરોપીએ સોશિયલ મીડિયા પર બેનામી એકાઉન્ટ બનાવી ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ મારફતે આ અંગત ફોટો-વિડીયો યુવતીના પિતા, બહેનપણી તથા કુટુંબી ભાઈને મોકલી આપ્યા હતા.

આ ઉપરાંત આરોપીએ ઇ-મેઇલ અને ટેલિગ્રામ દ્વારા મેસેજ કરીને યુવતી તથા તેના પિતા પાસે રૂ. ૫,૦૦,૦૦૦/- ની ખંડણીની માંગણી કરી હતી અને વધુ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને પ્રાથમિક તબક્કે યુવતીના પિતા પાસેથી રૂ. ૨૨,૦૦૦/- મેળવી લીધા હતા. પૂરા રૂ. ૫ લાખ ન આપે તો આ અંગત સામગ્રી યુનિવર્સિટી અને કોલેજમાં વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ અને આઇ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ ગુનાની ગંભીરતા જોઈ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ઋષિતસિંહ રાઠોડની ટીમે ટેકનીકલ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મળેલી ટેકનીકલ માહિતી અને બાતમીના આધારે પોલીસે દિલ્હીના વતની અને હાલ ૨૨ વર્ષીય સાહિલ ઉર્ફે હર્ષ શોક્ધિદરસિંહ જાટ (રહે. સેક્ટર-૧૭, રોહિણી, નોર્થ-વેસ્ટ દિલ્હી) ને અમદાવાદ ખાતેથી શોધી કાઢીને તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામગીરીમાં પી.આઈ. ઋષિતસિંહ રાઠોડ, પી.એસ.આઈ. બી.કે. કડછા તથા તેમની ટીમ સફળ રહી છે.

આ ઘટના સંદર્ભે દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને જનતાને અપીલ કરી છે કે, કોઈ પણ અજાણ્યા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો સાવચેત રહેવું અને સોશિયલ મીડિયા મારફતે ક્યારેય પોતાના અંગત ફોટોગ્રાફ્સ કે વિડીયો શેર કરવા નહીં. આવા સાયબર બુલીંગ કે બ્લેકમેઇલીંગના કિસ્સામાં તુરંત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application