સલાયાના વહાણ પર હુમલા બાદ સુરક્ષાની માંગ
ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિએશન દ્વારા અમેરિકી રાજદૂત સમક્ષ રજૂઆત
ઓમાનના લીમા બંદર નજીક સલાયાના માલવાહક વહાણ પર થયેલા ડ્રોન કે મિસાઇલ હુમલા અને એક નિર્દોષ ભારતીય ખલાસીના મોત બાદ દરિયાઈ સુરક્ષાનો મામલો ગંભીર બન્યો છે. આ દુર્ઘટનાના પગલે ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિએશન દ્વારા નવી દિલ્હી ખાતે ભારતમાં અમેરિકાના રાજદૂતને પત્ર પાઠવીને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં ભારતીય પરંપરાગત માલવાહક વહાણો ને સુરક્ષિત કોરિડોર આપવા તાકીદનો સહયોગ માંગવામાં આવ્યો છે. એસોસિએશનના જનરલ સેક્રેટરી આદમ ભાયા દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી ૨૦૨૬થી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા પ્રાદેશિક સંઘર્ષ વચ્ચે ડ્રોન-મિસાઇલ હુમલાની આશંકાથી ૪ થી ૫ જેટલા ભારતીય વહાણો પ્રભાવિત થઈ ચૂક્યા છે, જેના કારણે દરિયાઈ માર્ગે વેપાર કરતા ભારતીય ખલાસીઓની સુરક્ષા અને વહાણમાલિક પરિવારોની આજીવિકા સામે મોટું સંકટ ઊભું થયું છે.
ગુજરાત સહિત ભારતના દરિયાકાંઠાના આશરે ૩ લાખ જેટલા નાના-મધ્યમ વર્ગના લોકો સીધી કે આડકતરી રીતે આ પરંપરાગત વ્યવસાય પર નિર્ભર છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય બની ગઈ છે.
એસોસિએશને અમેરિકી રાજદૂત સમક્ષ માંગ કરી છે કે આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ સાથે યોગ્ય સંકલન સાધીને ભારતીય વહાણો માટે સુરક્ષિત માર્ગ નક્કી કરવામાં આવે, વહાણોની અગાઉથી નોંધણી, અઈંજ અને ટઇંઋ સિસ્ટમ ચાલુ રાખવાની સુવિધા, માત્ર દિવસના સમયે જ સંવેદનશીલ દરિયાઈ માર્ગ પસાર કરવાની મંજૂરી તથા કોઈપણ કટોકટી વખતે તાત્કાલિક સંપર્ક થઈ શકે તેવી ઇમરજન્સી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. આ ગંભીર મુદ્દે રૂબરૂ ચર્ચા કરવા માટે અમેરિકાના રાજદૂત પાસે તાત્કાલિક મુલાકાતનો સમય પણ માંગવામાં આવ્યો છે.
બીજી તરફ, ૨ નવેમ્બરના રોજ ઓમાન દરિયામાં વહાણ પર થયેલા હુમલા બાદ આગ ભભૂકી ઉઠતાં તમામ ખલાસીઓએ રેસ્ક્યુ બોટમાં જીવ બચાવ્યો હતો અને ઓમાન કોસ્ટ ગાર્ડે તેઓને સલામત બહાર કાઢ્યા હતા.જોકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા ખલાસી ગંઢાંર નહિમ અજીજને ખસાબ બંદરની હોસ્પિટલમાં ખસેડતી વખતે રસ્તામાં જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ૧૩ ખલાસીઓ સુરક્ષિત બચી ગયા છે. ઈંજટઅ દ્વારા ભારત સરકાર, વિદેશ મંત્રાલય, ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ અને ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસને અપીલ કરવામાં આવી છે કે ઓમાન પ્રશાસન સાથે સંકલન સાધીને બાકીના તમામ ૧૩ ખલાસીઓની કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓ તાત્કાલિક પૂર્ણ કરી તેઓને વહેલી તકે સહીસલામત વતન પરત લાવવામાં આવે તેમજ મૃત્યુ પામનાર ખલાસીના શોકગ્રસ્ત પરિવારને વળતર અને માનવીય સહાય પૂરી પાડવામાં આવે.
સલાયાના ૧૪ ખલાસીઓ:
સલીમ અબ્દુલ્લા સુંભણીયા (ટંડેલ), અસગર સલીમ ચમડીયા, અસગર જુમા જાડેજા, હનીફ સિદ્દીક જસરાયા, ઝાહિર જુસબ સંધિ, કાસમ કરીમ કારા, મહેબૂબ ઓસમાણ ચમડિયા, મામદ અઝીઝ ભગાડ, મેરાજ જુસબ સંઘાર, મુસ્લિમ રસીદ ગંધાર, નહીમ અઝીઝ ગંધાર (મૃતક), નાસિર નઝીર ભગાડ, શબીર હુશેન અબ્દુલ ભાયા તેમજ તાલબ રસીદ ગંધાર સહિત ૧૩ સલાયાના ખલાસીઓના આબાદ બચાવ થયો હતો. ગંધાર નહીમ અજીજના મૃત્યુ સિવાય અન્ય કોઈને ગંભીર ઈજાઓ નથી ફક્ત સામાન્ય ઇજાઓ હતી જેની સારવાર ઓમાન સરકાર દ્વારા કરાઈ છે. હાલ બાકીના ૧૩ ખલાસીઓ સહી સલામત છે. મૃત્યુ પામનાર ખલાસીને ત્યાં જ દફન વિધિ કરવામાં આવશે એવું હાલ માહિતી મળેલ છે. બાકીના બચેલા ૧૩ ખલાસીઓને વતન પરત લાવવા લીગલ પ્રોસિઝર ચાલુ છે.