BREAKING NEWS

જામનગરમાં નવરાત્રીમાં રાસોત્સવ નજીકના સ્ટોલ્સમાં ચેકીંગ, ૭૦ કીલો અખાઘ ખોરાકનો નાશ

  • October 20, 2026 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં નવરાત્રીમાં રાસોત્સવ નજીકના સ્ટોલ્સમાં ચેકીંગ, ૭૦ કીલો અખાઘ ખોરાકનો નાશ

શહેરમાં મીઠાઇ અને ફરસાણોની દુકાનોમાં ચેકીંગ કરી ૨૨ નમૂના લઇ લેબોરેટરીમાં મોકલાયા

નિયમના ભંગ સબબ બે પેઢીને રૂ.૧૦૦૦૦નો દંડ, નવરાત્રીની આખરમાં ચેકીંગથી અનેક સવાલ

જામનગરમાં નવરાત્રીમાં રાસોત્સવ નજીકના સ્ટોલ્સમાં મનપાની ફુડશાખાએ ચેકીંગ હાથ ધરી ૭૦ કીલો અખાધ ખોરાકનો નાશ કર્યો હતો. નવરાત્રીની આખરમાં ચેકીંગ કરવામાં આવતા અત્યાર સુધીમાં કેટલો અખાધ ખોરાક લોકો આરોગી ગયા હશે તે એક સવાલ છે. શહેરમાં મીઠાઇ અને ફરસાણોની દુકાનોમાં ચેકીંગ કરી ૨૨ નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. નિયમના ભંગ સબબ બે પેઢીને રૂ.૧૦૦૦૦નો દંડ ફટકારાયો છે. 

જામનગરમાં નવરાત્રીમાં રહીને રહીને મનપાની ફુડશાખાને ચેકીંગ કરવાનું યાદ આવ્યું હોય તેમ નવમા નોરતે મનપાની ફુડ શાખાના અધિકારીઓએ નવરાત્રીમાં ગરબા આયોજનો આસપાસના સ્ટોલ્સમાં ચેકીંગ કર્યું હતું. આ દરમ્યાન ૭૦ કીલો બીન આરોગ્યપ્રદ ખોરાક મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યાર સુધીમાં કેટલો અખાધ ખોરાક લોકો આરોગી ગયા તે એક સળગતો સવાલ છે. તો શા માટે મનપાની ફુડ શાખા દ્વારા નવરાત્રીના પ્રારંભે ચેકીંગ કરવામાં ન આવ્યું તે એક તપાસનો વિષય બન્યો છે. તદઉપરાંત ફુડ શાખાએ ખાણીપીણી અને ફાફડા જલેબીના ઘંધાર્થીઓની ૨૩ પેઢીમાં ચેકીંગ પણ કર્યું હતું. આ દરમ્યાન ૧૨ નમૂના જામનગરની લેબોરેટરીમાં અને ૧૦ નમૂના વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તદઉપરાંત તેલની ગુણવતાની ચકાસણી પણ કરવામાં આવી હતી. જયારે સ્વચ્છતા ન રાખવા સબબ બે પેઢી સામે કાર્યવાહી હાથ ધરી રૂ.૧૦૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. દીવાળીના તહેવારને હવે ગણતરીના દીવસો બાકી હોય ચેકીંગ કાર્યવાહી યથાવત રહેશે તેમ ફુડ શાખાના અધિકારીઓએ જણાવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application