BREAKING NEWS

દ્વારકા જિલ્લામાં ચાર જુગારના અખાડા પર પોલીસના દરોડા

  • September 11, 2026 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જિલ્લામાં ચાર જુગારના અખાડા પર પોલીસના દરોડા

ભાણવડ, સલાયા, ખંભાળીયા અને કલ્યાણપુર પંથકમાંથી ૨૬ જુગારીઓની અટકાયત 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદે જુગારની પ્રવૃત્તિઓ સામે સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચે લાલઆંખ કરી સપાટો બોલાવ્યો છે. જિલ્લાના ભાણવડ, સલાયા, ખંભાળીયા અને કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે મોડી રાત્રિ દરમિયાન હાથ ધરેલા દરોડામાં પત્તા ટીંચતા કુલ ૨૬ જેટલા શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા છે. પોલીસે અલગ-અલગ દરોડા દરમિયાન રોકડ રકમ, મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

પ્રથમ મોટા દરોડામાં દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ના સ્ટાફે ભાણવડ તાલુકાના રૂપામોરા ગામે સંસ્કાર સ્કૂલ પાછળ ચાલતા જુગારધામ પર રાત્રિના એક વાગ્યાના અરસામાં ત્રાટકીને દરોડો પાડ્યો હતો. જેમાં અરજણભાઇ ભોજાભાઇ કારેણા પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ બહારથી માણસો ભેગા કરી નાલ ઉઘરાવી તીનપત્તીનો રોન-પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું હતું. આ દરોડામાં સંચાલક અરજણ કારેણા ઉપરાંત માલદેભાઇ ભોજાભાઇ પીપરોતર, ડાયાભાઇ કેશુભાઇ ગોહેલ, જીતુભાઇ ફોગાભાઇ પીપરોતર, ભીમાભાઇ દેવાભાઇ પીપરોતર અને કરશનભાઇ દેવાભાઇ પીપરોતર નામના છ શખ્સો ઝડપાયા હતા. એલસીબીના એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજાની ફરિયાદના આધારે પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૩૧,૨૦૦/-, ૬ નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૨૫,૫૦૦/-), એક મોટરસાયકલ (કિંમત રૂ. ૨૦,૦૦૦/-) અને ગંજીપાના મળી કુલ રૂ. ૭૬,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધ્યો છે.  
​​​​​​​
જુગાર અંગેની બીજી મોટી કાર્યવાહી સલાયા મરીન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ કરવામાં આવી હતી. સલાયા મરીન પોલીસ સ્ટાફે રાત્રિના પોણા ત્રણ વાગ્યાના સુમારે સીમાણી કાલાવડ ગામે વાછરાડાડાના મંદિર પાસે ચોકમાં જાહેરમાં ચાલતી જુગારની મહેફિલ પર છાપો માર્યો હતો. જ્યાં જાહેરમાં તીનપત્તી રમતા મહેન્દ્રસિંહ રવુભા ચુડાસમા, સીધ્ધરાજસિંહ હરીસંગ ચુડાસમા, અશોકભાઇ ખીમગર ગોસ્વામી, સીધ્ધરાજસિંહ બાલુભા જાડેજા, નિરૂભા નવુભા જાડેજા, સુખદેવસિંહ ગુમાનસંગ ચુડાસમા, વીજયસિંહ ઉદેસંગ જાડેજા, જયમલજી ધીરૂભા જાડેજા અને પ્રદીપસિંહ રામસંગ ચુડાસમા સહિત કુલ ૯ શખ્સો રંગેહાથ પકડાયા હતા. સલાયા પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૩૫,૧૩૦/-, ૭ નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૩૬,૦૦૦/-) અને પાથરણું મળી કુલ રૂ. ૭૧,૧૩૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કર્યો હતો.  

આ ઉપરાંત ત્રીજા બનાવમાં ખંભાળીયા પોલીસે તાલુકાના ખજુરીયા ગામે આવેલ ઉવારીવાળી વાડી વિસ્તારમાં જાહેરમાં રેઇડ પાડી હતી. રાત્રિના બે વાગ્યાના સુમારે વાડી વિસ્તારમાં ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો ત્રણપત્તીનો જુગાર રમી રહેલા રામભાઇ પીઠાભાઇ ચંદ્રાવડીયા, હેભાભાઇ ધનાભાઇ ચંદ્રાવડીયા, વેજાણંદભાઇ જેઠાભાઇ ચંદ્રાવડીયા, રામભાઇ ધનાભાઇ ચંદ્રાવડીયા, દેવશીભાઇ કારૂભાઇ ચંદ્રાવડીયા તેમજ વજશીભાઇ હદાભાઇ ગોજીયા નામના છ ખેડૂત શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે પટમાંથી રોકડા રૂ. ૨૦,૩૩૦/- તેમજ ગંજીપત્તાના પાના કબ્જે કરી ખંભાળીયા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.  

ચોથા દરોડામાં કલ્યાણપુર પોલીસે રાત્રિના બે વાગ્યાના સુમારે રાવલ આઉટ પોસ્ટ હેઠળના નગડીયા ગામના વાડી વિસ્તારમાં આવેલ મામાદેવના મંદિરના ઓટલા પર સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા ઈસમો પર કાર્યવાહી કરી હતી. ત્યાં જાહેરમાં તીનપત્તી રોન-પોલીસનો જુગાર રમતા પ્રવિણભાઈ બાબુભાઈ લુગરીયા, માલદેભાઈ ભીખુભાઈ ગોરાણીયા, લીલાભાઈ રામાભાઈ મોઢવાડીયા, નિર્મલભાઈ પુંજાભાઈ અમર અને વજશીભાઈ સામતભાઈ મોઢવાડીયા નામના પાંચ શખ્સોને રોકડા રૂ. ૧૨,૨૫૦/- તથા ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા. આમ સમગ્ર જિલ્લામાં રાત્રિ દરમિયાન ચાલેલી સઘન કાર્યવાહીથી જુગારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application