↵10,000 મોબાઈલ ફ્લેશલાઈટના દિવ્ય દીવડાથી ઝગમગી ઉઠ્યું જામનગરનું ખોડલધામ મેદાન: આઠમા નોરતે મા ખોડલના પ્રાગટ્ય મહોત્સવે ભક્તિમય ડિજિટલ મહાઆરતી
આકાશમાંથી જાણે તારલા ઊતર્યા હોય તેવો અદ્ભુત નજારો સર્જાયો; ડ્રોન કેમેરામાં કેદ થયા અદભુત દ્રશ્યો
મા ખોડલ સહિત સાતેય બહેનોના પ્રાગટ્ય દર્શને ભાવિકો ભાવવિભોર, રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાયની પ્રેરક ઉપસ્થિતિ
જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી પાસે યોજાયેલા ભવ્ય શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં આસો નવરાત્રીના પાવન આઠમા નોરતે ભક્તિ, શ્રદ્ધા અને આધુનિકતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. મા ખોડલના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે યોજાયેલી મહાઆરતીમાં સમગ્ર ગ્રાઉન્ડમાં ઉપસ્થિત ૧૦,૦૦૦થી વધુ ભક્તોએ એકસાથે પોતાના મોબાઈલની ફ્લેશલાઈટ પ્રગટાવીને ‘ડિજિટલ દીવડા’ની અદ્ભુત અને અભૂતપૂર્વ મહાઆરતી કરી હતી.
આકાશમાંથી તારલા જમીન પર ઊતર્યા હોય તેવો અદભુત નજારો
મહાઆરતીના સમયે જ્યારે મેદાનની મુખ્ય લાઇટો ધીમી કરાઈ ત્યારે એકસાથે ૧૦,૦૦૦થી વધુ હાથમાં રહેલા સ્માર્ટફોનની ફ્લેશલાઈટ ઝગમગી ઊઠી હતી. એકસાથે પ્રગટેલા આ ડિજિટલ દીવડાઓએ આખા પરિસરમાં દિવ્ય રોશની પાથરી દીધી હતી. ડ્રોન કેમેરામાં કેદ થયેલા આકાશી દ્રશ્યોમાં સમગ્ર મેદાન સોનેરી તારલાઓથી ઝળહળતું હોય તેવો અલૌકિક નજારો જોવા મળ્યો હતો. મા ખોડલના જયઘોષ અને ભક્તિભાવ વચ્ચે થયેલી આ ડિજિટલ આરતી આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની રહી હતી.
સાતેય બહેનોના પ્રાગટ્ય દર્શન અને મહાનુભાવોની ઉપસ્થિતિ
આઠમા નોરતાના વિશેષ અવસરે મા ખોડલ સહિત સાતેય બહેનોના પ્રાગટ્યની જીવંત અને દિવ્ય ઝાંખી રજૂ કરવામાં આવી હતી. સાત બહેનોનું સ્વરૂપ ધારણ કરી દીકરીઓ ગ્રાઉન્ડમાંથી પસાર થઈને સ્ટેજ સુધી પહોંચી ત્યારે સાક્ષાત દેવીઓ પૃથ્વી પર પધાર્યા હોય તેવો ભાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. આ પાવન પ્રસંગે રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શનનો લાભ લીધો હતો.
પારિવારિક માહોલમાં ગરબાની જમાવટ
લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં સુરક્ષા અને સુવિધાઓ સાથે ચુસ્ત પારિવારિક વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે. મહાઆરતી બાદ હજારો ખેલૈયાઓએ મન મૂકીને પરંપરાગત તાલે ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં વડીલો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.