જામનગર નજીક વાયર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો: પાંચ પકડાયા
સિક્કા, ખીમલીયા, નારણપર, ચેલામાં કેબલ લઇ ગયેલા: ત્રણ ટાબરીયા અને બે શખ્સ ઝબ્બે: કુલ ૪.૨૩ લાખનો મુદામાલ કબજે
જામનગર નજીકના ગામોમાં કેબલ અને એલ્યુમિનિયમના વાયરના ચોરીના જુદા જુદા બનાવો પોલીસ ચોપડે જાહેર થયા હતા. આ તમામ ચોરીના ભેદ ઉકેલીને પોલીસે ત્રણ ટાબરીયા સહિત પાંચની અટક કરી છે. સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વીજ પોલમાંથી એલ્યુમિનિયમના તારની ચોરીના બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી સિક્કા પોલીસના સર્વેલન્સ સ્ટાફે બે આરોપીઓને ઝડપી લઈ આશરે રૂ. ૨,૧૫,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે નારણપર, ખીમલીયા અને ચેલા વિસ્તારમાં વાયર ચોરીના ગુનામાં ૨.૮ લાખનો મુદામાલ પંચ બી પોલીસે કબજે કર્યો છે.
પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસ ટીમે સિક્કા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા આમીન બશીર ભાયા તથા નાઝ સિનેમા પાછળ રહેતા આદમ ઉર્ફે ઘેલો અબ્દુલ સુંભણિયાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી સિક્કા કારાભુંગા શાળા પાસે તથા સિક્કા સોલ્ટ વિસ્તારમાં વીજ પોલમાંથી ચોરાયેલા અલગ-અલગ એલ્યુમિનિયમના તાર, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ વાયર કટર તેમજ ઓટો રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. કુલ મુદ્દામાલની કિંમત આશરે રૂ. ૨,૧૫,૪૦૦ હોવાનું જાણવા મળે છે.
આ ગુનામાં ઈસ્માઈલ અબ્દુલ સુભણિયા તથા રાજુભા લક્ષ્મણજી જાડેજા નામના બે આરોપીઓને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ એન.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, જયદેવસિંહ જાડેજા તેમજ પો.કોન્સ્ટેબલ કૃષ્ણપાલસિંહ જાડેજા અને ભુપેન્દ્રસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.
આ ઉપરાંત પંચ બી પીઆઇ વી.જે.રાઠોડ સ્ટાફના શૈલેન્દ્રસિંહ, ડી.જે.ઝાલા, પ્રદીપસિંહ, જયપાલસિંહ, રાજદીપસિંહ, નિર્મલસિંહ, વિગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમ્યાન સંયુકત બાતમી મળેલ કે જામનગર તાબેના ખીમલીયા, નારણપર, ચેલા, સીમ વિસ્તારમાં ખેડુતોની વાડીઓમાંથી ઇલેકટ્રીક મોટરમાથી વાયરની ચોરી થઇ હતી. જેમાં તપાસ કરીને ચોરી કરેલા કેબલ વાયરો સાથે ત્રણ કિશોરોને દરેડ જીઆઇડીસી રેસીડન્સી ઝોનમાં છકડા રીક્ષા નં.જીજે ૩-ઝેડ-૫૦૦૮માં ભરીને ઉભા હતા ત્યારે પકડી લીધા હતા અને ચોરી કર્યાની ટાબરીયાઓએ કબુલ કરી હતી.
પોલીસ દ્વારા કાયદાથી સંઘર્ષિત ત્રણ કિશોરને પકડી ૫૮૫ ફૂટ કેબલ છ એમએમનો, ૪ એમએમનો ૧૭૧૦ ફૂટ, અઢી એમએમનો ૧૫૦ ફૂટ કેબલ અને રીક્ષા મળી કુલ ૨,૦૮,૬૫૦નો મુદામાલ કબજે કર્યો હતો.