જામ રોજીવાડામાં થયેલી ૧૧.૧૪ લાખની ચોરીનો ગણતરીમાં ભેદ ખુલ્યો
ભાણવડ પોલીસ દ્વારા ત્રણની અટક : તમામ મુદામાલ રીકવર : બહારગામ ફરવા લઇ જઇ પાછળથી સાગરીતો ત્રાટકતા હોવાની એમઓ
ભાણવડના રોજીવાડા વિસ્તારમાં મકાનમાંથી રોકડ અને દાગીના મળી ૧૧.૧૪ લાખની ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેનો ભેદ ભાણવડ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલીને મુદામાલ રીકવર કર્યો છે. આરોપીઓ પુર્વ આયોજન કરી ઘરના સભ્યોને બહારગામ ફરવા લઇ જઇ પાછળથી સાગરીતો ત્રાટકતા હોવાની એમઓ ધરાવે છે.
ભાણવડ પોલીસમાં ફરીયાદીએ જાહેર કરેલ કે તા. ૨૭ના રોજ ફરીયાદી તેના કુટુંબ પરિવારના સભ્યો સાથે દ્વારકા દર્શન કરવા ગયેલ અને રાત્રીના દર્શન કરી પરત ઘરે આવતા ફરીયાદીના રહેણાંક મકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમોએ પ્રવેશ કરી ઘરના તાળા તોડી ઘરમાં રહેલા સોનાના અલગ અલગ દાગીના કુલ ૧૫ તોલા કી. ૧૦.૮૦ લાખની માલમતાની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ જાહેર કરી હતી.
જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક મીત દલાલએ સ્થળ વિઝીટ કરી ચોરી થયેલ મુદામાલ તથા આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન તથા સુચના આપી હતી. જે અનુસંધાને સ્ટાફના પીઆઇ વી.કે. કોઠીયાએ જાત તપાસ કરી ભાણવડ પોલીસ સ્ટેશન સ્કોડ તથા બીટ ઇન્ચાર્જ પીએસઆઇ પુરોહીત સાથે ટીમ બનાવી જરી વર્કઆઉટ તથા સીસી ફુટેજ ચેક કરતા સ્ટાફના હેડ કોન્સ નારણભાઇ બેલા તથા દિવ્યરાજસિંહ જાડેજાની ખાસ ટીમ બનાવી હયુમન સોર્સથી તપાસ કરતા પો.કોન્સ લાલાભાઇને ચોકક મળેલ હકીકત આધારે મિલન કરશન સોલંકી રહે. જામ રોજીવાડા વાડી વિસ્તાર ભાણવડ, ભાવેશ કરશન ઉર્ફે કાના સોલંકી હાલ કે.કે.વી હાલ રાજકોટ તથા રવી ડાયા સોલંકી રહે. જામ રોજીવાડા વાડી વિસ્તાર ભાણવડને સોનાના અલગ અલગ દાગીના ૧૫ તોલા કિ. ૧૦.૮૦ લાખ, ચાંદીના અલગ અલગ દાગીના આશરે ૧૫૦ ગ્રા કિ. ૧૭ હજાર, રોકડા ૧૭ હજાર મળી કુલ ૧૧.૧૪ લાખ તથા એક મોટરસાયકલ, મોબાઇલ ફોન મળી કુલ ૧૧.૫૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આરોપીઓ એક સંપ કરી પુર્વ આયોજન કરી ફરીયાદીના ઘરના સભ્યોને બહાર ગામ ફરવા લઇ જઇ પાછળથી પોતાના સાગરીતો મારફતે ચોરી કરવાની એમઓ ધરાવે છે.