ભાણવડમાં તંત્ર દ્વારા દૂષિત-દુર્ગંધયુક્ત પાણી વિતરણ
ભાણવડમાં સ્થાનિક નગરપાલિકા કે જવાબદાર તંત્ર દ્વારા લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ આ પાણી પીવાલાયક હોવાના બદલે અત્યંત દૂષિત, ડહોળું અને દુર્ગંધયુક્ત હોવાનું સામે આવ્યું છે. પાલિકા તંત્રના પાપે પ્રજાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે.
લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા તંત્રના પેટનું પાણી હલતું નથી. પીવાના પાણી જેવી અતિ પ્રાથમિક અને મૂળભૂત સુવિધા માટે પણ પ્રજાને અન્યાય સહન કરવાનો વારો આવ્યો છે, જેને કારણે ભાણવડના નાગરિકોમાં સ્થાનિક પ્રશાસન સામે તીવ્ર અસંતોષ અને ભારે આક્રોશ વ્યાપી ગયો છે.
અહીં માત્ર પાણીની ગુણવત્તા જ ખરાબ છે એવું નથી, પરંતુ પાણી વિતરણની વ્યવસ્થા પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ત્રણ-ત્રણ દિવસે માંડ પાણી આપવામાં આવે છે, જેના કારણે ગૃહિણીઓ અને પરિવારજનોની હેરાનગતિનો કોઈ પાર રહ્યો નથી. પૂરતા પ્રમાણમાં કે નિયમિત પાણી ન મળતાં લોકોમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. પાણી વિતરણનો કોઈ ચોક્કસ સમય કે ઠેકાણા ન હોવાથી લોકોએ કલાકો સુધી રાહ જોવી પડે છે. તંત્રની આવી લાપરવાહી અને નિષ્ક્રિયતા સામે શહેરીજનોમાં સખત વિરોધ જોવા મળી રહ્યો છે.
પ્રજાના સ્વાસ્થ્ય અને પ્રાથમિક જરૂરિયાતો પ્રત્યે તંત્ર સંપૂર્ણપણે આંખ આડા કાન કરી રહ્યું છે, ત્યારે અકળાયેલી જનતા માંગ કરી રહી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આ બાબતે ઘટતું કરે અને શુદ્ધ તેમજ નિયમિત પાણી પૂરું પાડે, નહીંતર આગામી સમયમાં લોકો આ અણઘડ વહીવટ સામે આક્રમક માર્ગ અપનાવે તો નવાઈ નહીં.