જામનગર: શનિવારની રઢીયાળી રાત્રે ઐતિહાસિક જલાની જારની ગરબીમાં ઈશ્ર્વર વિવાહ
આગામી સોમવારે રાત્રે હવન પૂજા:ગુરૂવાર સવારે ૬ વાગ્યે કનકાઈ માતાજીના છંદ
જામનગરમાં કેટલીક ગરબીઓ નવરાત્રી મહોત્સવ આગવી ઢબે ઉજવાય છે શહેરની સૌથી વધુ પ્રાચીન અને ઐતિહાસીક ગરબી એટલે જલાની જારની ગરબી નિહાળવા જેવી છે.તા. ૧૭-૧૦ શનિવાર રાતે ૧૨ વાગે મહાદેવના ઈશ્વર વિવાહ તથા તા.૧૯.૧૦.૨૬ સોમવારે રાત્રે હવન પૂજા આઠ વાગ્યે, રાત્રે ૧૧-૩૦ હોમાશે બીડું:તા.૨૨.૧૦.૨૬ ગુરૂવાર સવારે ૬ વાગ્યે કનકાઈ માતાજીના છંદ ગવાશે સંપૂર્ણપણે ધાર્મિક સાંસ્કૃતિક મુલ્યો સાથે યોજાતી અને આંગળીના વેઢે ગણાતી ગરબીઓમાં જેનું સ્થાન છે અને લોકપ્રિયતાના શિખ રસર કરેલ છે તેવી જલાની જારની ગરબી પ્રાચીન આ ગરબી અંગે પાંચ દાયકાથી ગરબી મંડળના સેવકો દ્વારા પ્રસિદ્ધ કરાયેલી દુર્ગા ગરબાવલીમાં છપાયેલ છંદો જલાની જારની આ પુરૂષોની એક માત્ર સનાતન પુરાણી ગરબીમાં વર્ષોથી ગવાય છે.
આ ગરબી માત્ર પુરૂષો દ્વારા જ સંચાલિત છે પુરૂષો દ્વારા લાલ, પીળા, કેસરી પીતાંબર અને ઝભ્ભો ધારણ કરીને જયાં ગરબીનાં માત્ર છંદ જ ગવાય છે દરેક જગ્યાએ નવરાત્રી નવ દિવસની હોય છે પરંતુ જામનગરની આ અર્વાચીન વિખ્યાત ગરબી ૧૧ દિવસની હોય છે આ સમયે સાતમા નોરતે શિવ અને શક્તિનું સમન્વય એટલે સાતમું નોરતું જયાં આદિકાળથી આ પરંપરા ચાલી આવે છે. વહેલી સવારે ૪ વાગ્યે કનકાઈ માતાજીનો ઉથાપનનો છંદ ગાવામાં આવે છે અને રડતા રડતા માતાજીને વિદાય આપવામાં આવે છે.
કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર એક વર્ષના બાળકથી એંસી વર્ષના વયોવૃદ્ધ લાલપીળા ધોતીયા, અબોટીયા પહેરી કપાળે ચંદન કુમકુમનું તિલક કરી, નોબતના તાલે, ઢોલના ઢબાકે ગલોકામાં પાનનું બીડું દબાવી તાલબંધ ગરબી ઘુમતા હોય તોતો તે જામનગરમાં જલાની જારમાં ગવાતી પુરૂષોની એક માત્ર ગરબી છે.આજનાં આ ડીસ્કોના યુગમાં આ એરીયાના સ્ત્રી પુરૂષો, નવયુવાનો ફરવાના બહાના હેઠળ કે રંગત જોવા બીજે જોવા જાય છે. પરંતુ જલાની જારના ચોકમાંથી પસાર થયા ત્યારે આપોઆપ ભકિત અને શ્રદ્ધાથી નતમસ્તકે બે હાથ જોડાઈ જાય છે, કારણકે આ ગરબી એક સનાતન સત્ય છે.
આજથી આશરે ૩૦૦ વર્ષથી વધુ સમય પહેલાં જલાની જાર, બાજરીયા ફળીમાં રહેતા ચત્રભુજ ત્રિવેદી રાત્રીનાં બેક વાગ્યે લઘુશંકા કરવા બહાર નીકળ્યા ત્યારે ચોકમાંથી નોબતનો અવાજ કાને પડયો, જરા નજીક આવતા જલાનીજારના ચોકમાં તેજ મહી પ્રકાશમાં નવ બાળા ગરબી રમતાં જોઈ દિગ્મૂઢ બની ગયેલ, ભય લાગવાથી બીકનાં માર્યા ઘરમાં જઈ સુઈ ગયા. બીજે દિવસે આજ ટાઈમે સ્વપ્નમાં આજ દ્રશ્ય તાજું થયેલ અને માતાજીએ પ્રેરણા આપેલ કે આ ચોકમાં નવરાત્રીમાં નવ દિવસ મારી સ્થાપના કરવી અને ગરબી ગાવી. બીજે જે વર્ષ જલાનીજારનાં ચોકમાં માતાજીની સ્થાપના કરી તે વખતે પણ કોઈપણ નાત-જાતના ભેદ વગર લાલપીળા અબોટીયા ધોતીયા ધારણ કરી પુરૂષની ગરબી શરુ કરવામાં આવેલ જે શિરસ્તો આજની યુવાન પેઢી સુધી ચાલુ છે.
નવ માતાજીના પુતળા જયપુરથી ગાડા રસ્તે આવેલ,મઢ ઉપર ગરબો નવદુર્ગાનો સોના-રૂપાનો ચડાવવામાં આવે છે. પ.પૂ. શ્રી રામગુરૂબાબાના શિષ્ય પ.પૂ. શ્રી વિશ્ર્વનાથ ગુરુના પરપૌત્ર સ્વ.જપદેવભાઈ ગુરૂના ઉમદા પ્રયત્નોથી માતાજીના નવકાષ્ટના પુતળા તથા માતાજીને બીરાજવા માટેનો મઢ આશરે ૩૦ કિલો ચાંદીમાં મઢવામાં આવેલ છે.પહેલે નોરતે મંત્રોચ્ચારની નવદુર્ગાની સ્થાપના કરવામાં આવે છે. નોમનો રાત્રીના હવન થાય છે, તેમાં કોઈપણ જાતના ભેદભાવ વગર જોડલુ પુજામાં બેસી શકે છે. દશેરાની મોડી રાત્રી અગીયારસના પ્રાત:કાળે માતાજીના ઉથાપના થાય છે.પ્રાત:કાળે ભકતજનો સ્ત્રી,પુરૂષો ઘુમવાવાળા સ્નાન કરી એક ચિતે ભકિતમય બની જઈ માતાજીનો પ્રસાદ લઈ પોતાની જાતને ધન્ય માની વડીલોને પગે પડી,ક્ષમા માગી નવરાત્રી ઉત્સવ જલ્દી પુરો થઈ ગયો તેના દુ:ખના આંસુ સાથે અને પાછી નવરાત્રી જલ્દી આવી તેની ઇન્તજારીથી છુટા પડે છે.આ એક માત્ર ગરબી એવી છે કે જેનો માતાજીના નામે ફાળો ઉઘરાવવામાં આવતો નથી, કોઈ મંડળ નથી, કોઈ પ્રમુખ નથી. નાના મોટા સૌ સાથે મળીને સંચાલન કરે છે અને આ બધું આપોઆપ થઈ જાય છે.સમયને આધિન ગાવા ગવરાવવાવાળા, નોબત વગાડવાવાળા ઘણા પરલોક ચાલ્યા ગયા હજુ પણ આ રફતાર ચાલુ જ રહેશે. પરંતુ આ ગરબી કાયમ રહેશે અને આપોઆપ સ્વીકારેલો ઘોતીયા, અબોટીયા પહેરવાનો શિરસ્તો તો જ રોજ હાલે જલાની જારના નવયુવાનો તન, મન અને ધનથી આ ગરબીની નવ દિવસ સેવા કરે છે અને એટલી જ શ્રદ્ધા અને ભક્તિથી કોઈપણ જાતનાં સંકોચ વગર ધોતીયા અબોટીયા પહેરી સમય અને સંકોચને ભુલી માતાજીના ગુણગાન ગાય છે.