સુરત શહેરમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરતના ઉમરા વિસ્તારમાં 26 વર્ષીય ડિવોર્સી માતાએ પોતાના ચાર વર્ષના માસૂમ પુત્ર સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં શોક અને અરેરાટી ફેલાવી દીધી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પૂનમ શાહ નામની મહિલાએ પહેલા પોતાના ચાર વર્ષના પુત્ર શિવાયને ગળેફાંસો આપ્યો અને ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ લીધો હતો. ઘટના અંગે જાણ થતાં પરિવારજનો તથા આસપાસના લોકો સ્તબ્ધ બની ગયા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પૂનમના પૂર્વ પતિ કરણ શાહ દ્વારા સતત કરવામાં આવતી કનડગત અને માનસિક ત્રાસને કારણે તેણીએ આ કરુણ પગલું ભર્યું હતું. ડિવોર્સ બાદ પણ ત્રાસ આપાતો હોવાની વાત પરિવાર દ્વારા પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે પરિવારજનોના નિવેદન નોંધ્યા છે તેમજ મૃતકના મોબાઇલ અને અન્ય પુરાવાઓની તપાસ હાથ ધરી છે.
એક હસતા-રમતા બાળકની નિર્દયી રીતે મોત અને માતાના આપઘાતની આ ઘટનાએ સમાજને ઝંઝોળી નાખ્યો છે. હાલ પોલીસ આત્મહત્યાને પ્રેરણા આપવાનો ગુનો નોંધાય તે દિશામાં તપાસ કરી રહી છે.