જામનગર સહિત હાલારમાં બોગસ ડોકટરો છાસવારે પકડાય છે, થોડા દિવસો પહેલા મેઘપર વિસ્તારમાંથી ડીગ્રી વગરના ડોકટરો એક પછી એક મળી આવ્યા હતા, અગાઉ દ્વારકા જીલ્લાના બોગસ ડોકટરો ઝપટે ચડયા હતા, દરમ્યાનમાં લાલપુર તાલુકાના આરબલુસ, એલસી ગેઇટ સામેની માર્કેટમાં મેડીકલની કોઇ ડીગ્રી વગર દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર પશ્ર્ચિમ બંગાળના શખ્સને સ્થાનીક પોલીસે દબોચી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આરબલુસ ગામ નજીક માર્કેટમાં એક શખ્સ ડીગ્રી વીના પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળતા લાલપુર પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી દરમ્યાનમાં મુળ પશ્ર્ચિમ બંગાળના નદીયા જીલ્લાના ક્રિષ્નગંજના ચંદનનગરના વતની અને હાલ આરબલુસ ગામ એલસી-૮ ગેઇટની સામે માર્કેટ ખાતે રહેતા ઉદયન અધીર બિશ્ર્વાસ (ઉ.વ.૫૪) નામનો શખ્સ કોઇ મેડીકલ ડોકટરને લગત ડીગ્રી ધરાવતો ન હોવા છતા અહીં માર્કેટમાં દવાખાનું ખોલી દર્દીઓને તપાસ દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહયો હતો.
મનુષ્યની શારીરીક સલામતી જોખમમાં મુકાય તેવું કૃત્ય કરી દવાના પૈસા વસુલ કરતો હોય આથી લાલપુર પોલીસે દરોડો પાડીને બોગસ ડોકટર ઉદયન બિશ્ર્વાસને પકડી લીધો હતો. તેની પાસેથી દવાઓ અને સાધનો મળી કુલ ૧૬૯૦ના મુદામાલ કબ્જે કર્યો હતો તેની સામે ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૨૫ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.