↵જામનગરમાં કૂતરાનો હાહાકાર: ૪૪ દી’ માં ૨૫૮૧ લોકોને બચકા ભર્યા
જામનગરમાં રખડતા કૂતરાઓએ હાહાકાર મચાવ્યો છે. કારણ કે, શહેરમાં ૪૪ દીવસમાં અધધ...૨૫૮૧ લોકોને બચકા ભર્યાનું જી.જી.હોસ્પિટલના ચોપડે નોંધાયું છે. હાલમાં શહેરીજનોને પોતાના જોખમે ઘરની બહાર નીકળવું પડે તેવી સ્થિતિ છે ,કારણ કે, તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું હોય શહેરમાં છેલ્લાં ૪૪ દીવસમાં દરરોજ ૫૮ લોકોને કૂતરા કરડયા છે. આથી શહેરમાં કૂતરાઓના રસીકરણ અને ખસીકરણની કામગીરીના ધજાગરા ઉડી રહ્યાની સ્થિતિ પ્રર્વતી રહી છે.
જામનગરમાં રખડતા કૂતરાઓના આંતકે હદ વટાવી છે. જેનો ભોગ નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના શહેરીજનો બની રહ્યા છે. કૂતરાના નિયંત્રણ માટે મહાનગરપાલીકા દ્વારા મસમોટા ખર્ચે રસીકરણ અને ખસીકરણની કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં રખડતા શ્ર્વાનને રાખવા માટે નિયત સ્થળે સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યાની કેસેટ પણ વગાડવામાં આવી રહી છે. પરંતુ મન૫ાની આ કામગીરી ફકત કાગળ પર થઇ રહી હોય કાગનો વાઘ એટલે કે પોકળ પુરવાર થઇ રહ્યા છે. કારણ કે, કૂતરા કરડવાના બનાવ દીન-પ્રતીદીન ઘટવાના બદલે જેટ ગતિએ વધી રહ્યા છે. જામનગરની જી.જી.હોસ્૫િટલમાં છેલ્લાં ૪૪ દીવસમાં કૂતરા કરડવાના કુલ ૨૫૮૧ કેસ નોંધાયા છે. જેમાં ગત સપ્ટેમ્બર મહીનામાં એટલે કે ૩૧ દીવસમાં ૧૦૦૮ અને ચાલુ ઓકટોબર મહીનાના ૧૩ દીવસમાં ૫૭૩ કેસ નો સમાવેશ થાય છે. આમ ૪૪ દીવસની સરેરાશ જોઇએ તો દરરોજ ૫૮ લોકોને કૂતરાએ બચકા ભર્યાનું જી.જી.હોસ્પિટલના ચોપડે નોંધાયેલા કેસ પરથી પુરવાર થયું છે. ખાસ કરીને શહેરમાં તો કૂતરાંના ત્રાસે હદ વટાવી છે. રાત્રીના સમયે તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. કારણ કે, મુખ્ય માર્ગ હોય કે શેરી-ગલીઓમાં કૂતરાં પાછળ દોડી બચકાં ભરવાના બનાવ સામાન્ય બન્યા છે. જેના કારણે મનપા દ્વારા શહેરમાં કૂતરાના રસીકરણ અને ખસીકરણની કામગીરી શંકાના દાયરામાં આવી છે. આટલું જ નહીં કૂતરાના ત્રાસથી શહેરીજનો રાત્રીના સૂઇ પણ શકતા નથી. આમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.
કૂતરા કરડવાના કિસ્સાઓમાં પણ ૩ કેટેગરી હોય છે. કૂતરાએ કેવી રીતે બચકું ભર્યું છે એટલે કે કેટલા દાંત બેસાડયા છે તેના આધાકે કેટેગરી એક, બે અને ત્રણ નકકી થાય છે. જેમાં ગંભીર રીતે કૂતરું કરડવાના બનાવ જી.જી.હોસ્પિટલના ચોપડે વધુ નોંધાયા છે. શહેરમાં કૂતરા કરડવાની સમસ્યાએ માઝા મૂકી છે ત્યારે કોઇ જીવલેણ દુઘર્ટના બને તે પહેલાં તંત્ર દ્વારા ફકત દાવા કરવાના બદલે ખરા અર્થમાં નકકર કામગીરી થશે કે કેમ તે જોવાનું રહ્યું.