BREAKING NEWS

દ્વારકા: ભાણવડના ગાયત્રીનગર વિસ્તારમાં છેલ્લા રર દિવસથી પીવાનું પાણી વિતરણ બંધ

  • November 04, 2026 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: ભાણવડના ગાયત્રીનગર વિસ્તારમાં છેલ્લા રર દિવસથી પીવાનું પાણી વિતરણ બંધ

પાણી આપોના નારા સાથે ખાલી ડોલ અને બેડા લઇ મહિલાઓ દ્વારા નગરપાલિકા કચેરીએ હલ્લાબોલ

દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસોમાં બાકી રહ્યા છે ત્યારે ભાણવડમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા બિલકુલ ખોરવાઇ જવાથી શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે, શહેરની ભાગોળે આવેલ ગાયત્રીનગરમાં છેલ્લા રર દિવસથી પીવાના પાણી નહીં મળતા નાગરિકો રોષિત બન્યા હતા, ત્યારબાદ સમુહમાં પાલિકા કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો.

શહેરીજનોની પાયાની જરૂરીયાત કહી શકાય એવી પીવાના પાણીના પ્રશ્ર્ને નગરપાલિકાનું તંત્ર બેદરકાર બન્યું હોવાની લોકોમાં રાવ ઉઠી છે, પાણી માટેની વિતરણ વ્યવસ્થા બિલકુલ અનિયમિત બનવાથી શહેરીજનોમાં પાણી માટે કાળો કકળાટ મચી ગયો છે. 

આમ તો પુરા શહેરમાં પાણીની તકલીફ રહી છે, પરંતુ શહેરની ભાગોળે ગાંધીનગર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગાયત્રીનગર વિસ્તારમાં છેલ્લા રર દિવસથી પાણી વિતરણ ન થતાં લોકો વિફર્યા હતા, મહિલાઓ પાણી આપોના નારા સાથે રણચંડી બની હતી અને ખાલી ડોલ અને બેડા લઇ પાલિકા કચેરીએ ઘસી જઇ તડાપીટ બોલાવી હતી.

એક બાજુ લોકોને દિવસો સુધી પાણી મળતું નથી અને એમાં વળી અપૂરતો પાણીનો પ્રવાહ હોવાથી લોકોની મુશ્કેલી બેવડાઇ છે, પીવાના પાણીના પ્રશ્ર્ને લોકોની સાથે કોંગ્રેસના અગ્રણી અને એડવોકેટ ગીરધર વાઘેલા, રણધીરસિંહ જાડેજા, કોર્પોરેટર અસમાબેન શાહમદાર, મુકેશભાઇ વાવણોટીયા, ભરત વાઘેલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application