BREAKING NEWS

જામનગર નજીક મેગા કંપનીઓ પાસે ડ્રગ્સ ઘુસાડવાનુ ઝડપાયુ નેટવર્ક

  • July 20, 2026 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક મેગા કંપનીઓ પાસે ડ્રગ્સ ઘુસાડવાનુ ઝડપાયુ નેટવર્ક

પડાણામાંથી ૩ પરપ્રાંતીય હેરોઇન સહિતના ૧.૪૨ લાખના મુદામાલ સાથે પકડાયા : અમૃતસરના શખ્સની સંડોવણી ખુલી 

જામનગર નજીક મેગા કંપનીઓ પાસેના વિસ્તારમાં ડ્રગ્સ ઘુસાડવાનું નેટવર્ક ફરી એકવાર ખુલ્લુ પડયુ છે, તાજેતરમાં ડ્રગ્સ સાથે પંજાબના શખ્સો પકડાયા હતા, દરમ્યાનમાં પડાણા ગામમાંથી ૩ પરપ્રાંતીય શખ્સોને ૬.૨૩ ગ્રામ હેરોઇન, મોબાઇલ, રોકડ મળી ૧.૪૨ લાખના મુદામાલ સાથે મેઘપર પોલીસે દબોચી લીધા છે, તપાસ દરમ્યાન અમૃતસરના એક શખ્સની સંડોવણી ખુલી છે.

ગત વર્ષોમાં હાલારમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ કાર્યવાહી સધન બનાવવામાં આવી હતી, દરમ્યાનમાં થોડા દિવસો પહેલા મેઘપર પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે પંજાબી શખ્સોને પકડી લીધા હતા, ફરી એકવાર આ વિસ્તારમાં ડ્રગ્સ સાથે મુળ પંજાબના અમૃતસરના વતની અને હાલ પડાણામાં રહેતા પકડાતા આ વિસ્તારમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહયાનું ફરી એકવાર ફલીત થયુ છે. 

આ અંગેની મળતી વિગતો મુજબ મુળ અમૃતસરના હાલ પડાણા રહેતા પ્રભશેરશીંગ નામના શખ્સે મનાસીંગ પાસેથી હેરોઇન (ઓપીઅમ ડેરીવેટીવ્ઝ) ડ્રગ્સ ખરીદ કરીને લાવીને પડાણા અને આજુબાજુના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજુરોને છુટકમાં વેચાણ કરવા રાખ્યુ હતું, આ અંગેની બાતમી મળતા એસપી ડો. રવિ મોહન સૈનીની સુચનાથી મેઘપર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરમ્યાનમાં મુળ અમૃતસરના સેદોકે ગામના વતની અને હાલ પડાણા ગામમાં પાણીના ટાંકાની બાજુમાં ભાડાની ઓરડીમાં રહેતા મજુરી કરતા પ્રભશેરસીંગ સવેદરસીંગ શીખ તથા હાલ પડાણા મુળ ભોમાન ગામ ગુરૂદાસપુર પંજાબના વતની શેરસીંગ ઉર્ફે શેરા ગુરદેવસીંગ તથા હાલ પડાણા મુળ અમૃતસરના ચીમાબાઠ ગામના વતની દિલબાગસીંગ બચ્ચનસીંગ શીખ નામના ૩ શખ્સોને પકડી લીધા હતા.

ત્રણેય શખ્સોએ હેરોઇન ૬.૨૩ ગ્રામ પોતાના કબ્જામાં રાખી કુલ ૪ મોબાઇલ, ૧ નાનો ઇલેકટ્રીક કાંટો અને રોકડા ૧૫૧૦ મળી કુલ ૧,૪૨,૧૧૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન અમૃતસરના બોપારાઇ ગામના વતની મનાસીંગ મુખાસીંગની સંડોવણી ખુલી હતી. ચારેયની સામે મેઘપર પડાણા પોલીસમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પીઆઇ ડી.બી. પટેલ ચલાવી રહયા છે.
​​​​​​​
મેગા કંપની નજીકના વિસ્તારોમાં અગાઉ પણ ડ્રગ્સ સાથે શખ્સો ઝપટમાં આવી ચુકયા છે, તાજેતરમાં જ ડ્રગ્સ પકડાયુ હતુ જેમાં પંજાબ કનેકશન ખુલ્યુ હતું અને ફરી એકવાર ડ્રગ્સમાં પંજાબથી મંગાવીને અહી વેચાણ કરવાનું નેટવર્ક સામે આવ્યુ છે, પોલીસ દ્વારા ત્રણેય શખ્સોને રીમાન્ડ પર લેવા અને ડ્રગ્સના મુળ સુધી પહોચવા તપાસનો ધમધમાટ આદર્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application