BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન બાળકોની કિલકારીથી ગુંજી ઉઠ્યું

  • August 06, 2026 04:56 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન બાળકોની કિલકારીથી ગુંજી ઉઠ્યું

સરકારી અધિકારીઓ તથા કર્મયોગીઓના બાળકો પ્રત્યે સરકારનો માનવીય અભિગમ

દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે નવનિર્મિત અદ્યતન "કલરવ" (ઘોડિયા ઘર)નો પ્રારંભ

જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.જોશી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના નાનાં બાળકોની ચિંતા વિના નિષ્ઠાપૂર્વક કામગીરી કરી શકે તેવા હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન, જામખંભાળિયાના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે નવનિર્મિત 'કલરવ' (ઘોડિયા ઘર)નો જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટર રાજેશ તન્નાની પ્રેરણાથી અને નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરુના પ્રયાસોને પરિણામે શરૂ કરાયેલા 'કલરવ' ઘોડિયા ઘરનો મુખ્ય હેતુ સરકારી કર્મયોગીઓને પરિવારમૈત્રી અને અનુકૂળ કાર્યપરિવેશ ઉપલબ્ધ કરાવવાનો છે. ઘોડિયા ઘરના પ્રારંભ સાથે જિલ્લા સેવા સદનનું પરિસર બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યું હતું.

ઘોડિયા ઘરને બાળકો માટે સુરક્ષિત, સ્વચ્છ અને આનંદમય બનાવવા રંગબેરંગી ચિત્રો, ઘોડિયાં, વિવિધ રમકડાં તથા બાળમિત્ર સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. અહીં બાળકોની સાર-સંભાળ માટે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ પહેલ સરકારના સંવેદનશીલ અને માનવીય અભિગમને પ્રતિબિંબિત કરે છે. સાથે જ સરકારી કર્મયોગીઓ, ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે કાર્ય અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવામાં સહાયક બનશે.

આ પ્રસંગે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. જોશી, નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરુ, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) કેતન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશકુમાર ભાંભી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application