BREAKING NEWS

જામનગરમાં દિવાળીની રાત્રે ફટાકડાથી આકાશ ગુંજી ઉઠયું

  • October 21, 2025 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિવાળી એટલે પ્રકાશ અને ઉજાસનો તહેવાર, અંધકાર પર પ્રકાશનો જવલંત વિજયનું નામ જ દિવાળી, ગઇકાલે બપોરે ૩:૪૬ સુધી કાળી ચૌદશ હતી અને ત્યારબાદ દિવાળી શરૂ થઇ હતી, સાંજે લોકોએ ચોપડા પુજન ૭ થી ૮:૧૭ દરમ્યાન કર્યુ હતું, સમુદ્રમાંથી લક્ષ્મીજીનું પાર્દુભાવ થયો હતો અને ભગવાન રામે રાવણ ઉપર વિજય મેળવીને દિવાળીના દિવસે અયોઘ્યા પધાર્યા હતાં, ત્યારે જામનગર છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોશનીથી ઝળહળી ઉઠયું છે, ગઇકાલે રાત્રીના ૩ વાગ્યા સુધી આકાશમાં ફટાકડાની આતશબાજી જોવા મળી હતી અને સાંજે વેપારીઓએ દોઢ કલાકના શુભ મુર્હુતમાં પેનને મહાકાળીનું સ્વરૂપ ગણીને ચોપડા સાથે પુજન કર્યુ હતું. 


જામનગર ઉપરાંત દેવભુમિ દ્વારકા, જામકલ્યાણપુર, ખંભાળીયા, રાવલ, સલાયા, ફલ્લા, ઓખા, બેટદ્વારકા, ભાટીયા, લાલપુર, જામજોધપુર અને તમામ તાલુકા મથકોએ દિવાળીનો તહેવાર મનાવવામાં આવ્યો હતો, કાળીયા ઠાકોરને દ્વારકામાં શીશ ઝુકાવવા ભકતો પહોંચી ગયો છે, ગોમતી નદીએ માનવ મહેરામણ ઉમટી પડયો હતો અને ગઇકાલે ભગવાન દ્વારકાધીશને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ગઇકાલે તમામ મોટા મંદિરોમાં અન્નકુટ દર્શન, વિવિધ શણગાર તથા મહાઆરતી યોજાઇ હતી. 


જામનગર શહેરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી દિવાળીનો માહોલ શરૂ થઇ ગયો છે, ભૂતકાળમાં કહેવત મુજબ પાંડવો ૧૪ વર્ષનો વનવાસ ભોગવી હસ્તીનાપુર આવ્યા હતાં, ભગવાન શ્રી કૃષ્ણએ કાળી ચૌદશના દિવસે નર્કાસુરનો વધ કર્યો હતો અને ત્યારબાદ દિવાળી ઉજવી હતી, બ્રહ્મપુરાણમાં એવું લખ્યું છે કે, દિવાળીની રાત્રીએ લક્ષ્મીજી સ્વયં પધારે છે જેને કારણે લોકો ચોપડા પુજન કરે છે. જામનગરમાં કોમ્પ્યુટર યુગમાં પણ વેપારીઓ ચોપડાનું પુજન કરી રહ્યા છે અને ત્યારબાદ મીઠાઇ વેંચી ફટાકડા ફોડે છે. 


દિવાળીમાં ચોપડાનું મહત્વ ઘટયું છે એ સાચી વાત છે, પરંતુ હજુ પણ વેપારીઓ મુર્હુત સાચવવા અને શાસ્ત્રોકત વિધી પ્રમાણે ચોપડાનું પુજન કરે છે. સાંજે ૭ થી ૮:૧૭ સુધી ચોપડાની સાથે મહાસરસ્વતી, મહાલક્ષ્મીનું પુજન કરવામાં આવે છે અને મહાલક્ષ્મીની કૃપાથી વેપાર સવાયો થાય છે તેવી પણ એક કહેવત છે. જામનગર શહેરમાં ખરીદીનો માહોલ બરાબર જામી રહ્યો છે, કેટલાક કર્મચારીઓના પગાર અને બોનસ સમયસર અને ટાઇમે થઇ જતાં તેઓએ દિવાળીનો લાભ લીધો છે. ખાસ કરીને એક મહીનામાં ફોરવ્હીલ વધુ વેંચાયા છે, એક અંદાજ મુજબ જામનગર શહેરમાં જ ૬૦૦થી વધુ ફોરવ્હીલનું વેંચાણ થયું છે જયારે ટુ-વ્હીલર અને અન્ય વાહનો પણ મોટા પ્રમાણમાં વેંચાયા છે. 


જામનગર શહેરમાં કોર્પોરેશનની કચેરી, તળાવની પાળ, ભુજીયો કોઠો, કલેકટર કચેરી તેમજ કેટલીક મોટી બિલ્ડીંગો ઉપર પણ રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો છે, ગયા વર્ષ કરતા જીએસટી ઘટયો હોવા છતાં ડ્રાયફ્રુટનો ભાવ ૨૨ થી ૨૫ ટકા વઘ્યો છે, પરંતુ તેની એટલી જ બોલબાલા છે, એવી જ રીતે વિવિધ મીઠાઇ અને માવાના ભાવમાં ૨૫ થી ૩૦ ટકા વધારો થયો હોય છતાં પણ લોકો હોંશે-હોંશે ખરીદે છે. ઇલેકટ્રીક આઇટમોનું ધોમ વેંચાણ છે, મોબાઇલમાં સ્ક્રેચ કાર્ડ અને અલગ-અલગ સ્કીમ હોવાથી વધુ વેંચાય છે, તેવી રીતે રેડીમેઇડ કપડા પણ ગઇકાલે મોડી રાત સુધી વેંચાઇ રહ્યા હતાં. 
​​​​​​​

આજે ધોકો છે એટલે કે લોકોને આરામનો મોકો મળશે અને બુધવારે નવું વર્ષ તેમજ રવિવારે લાભ પાંચમનો દિવસ છે, આ વખતે જીએસટી ઘટતાં ઇલેકટ્રીક આઇટમો સહિત અનેક ચીજવસ્તુઓ સસ્તી થઇ છે જેને કારણે બજારમાં ‚પીયો ફરતો થયો છે, દિવાળીનું મહત્વ ખુબ જ વધારે છે અને હજુ બે-ત્રણ દિવસ લોકો તહેવારો ધામધૂમથી ઉજવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application