જામનગરમાં ગણપતિની પપ૦૦ ઇકો ફ્રેન્ડલી મુર્તિ તૈયાર
હાલારી પાઘડીવાળા ગણેશજી બન્યા આકર્ષણનું કેન્દ્ર : ૩૭૦થી વધુ વિવિધ પ્રકારની મૂર્તિઓ, ૮૫ ટકા જેટલું બુકિંગ પૂર્ણ
જામનગર શહેરમાં ગણેશ મહોત્સવને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતા ગુલાબનગર, ગરબી ચોક પાસે આવેલા દક્ષ ક્લે આર્ટ (સાચી મિટ્ટી) ખાતે પ્રજાપતિ પરિવાર દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી માત્ર કાચી માટીમાંથી પર્યાવરણને અનુકૂળ ગણેશજીની મૂર્તિઓનું સર્જન કરવામાં આવી રહ્યું છે.
પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર્યાવરણ માટે નુકસાનકારક હોવાની સાથે પાણીમાં સરળતાથી વિસર્જિત થતી નથી. તેના બદલે કાચી માટીમાંથી તૈયાર કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓ પાણીમાં વિસર્જન કર્યા બાદ માત્ર પાંચથી દસ મિનિટમાં સંપૂર્ણપણે ઓગળી જઈ ફરી માટીમાં ભળી જાય છે. આથી પ્રજાપતિ પરિવાર દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી માટીના ગણેશજીની સ્થાપનાને પ્રોત્સાહન આપી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
આ વર્ષે પ્રજાપતિ પરિવાર દ્વારા ૫૫૦૦થી વધુ ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. વિવિધ કદ અને આકારની કુલ ૩૭૦થી વધુ પ્રકારની મૂર્તિઓ ઉપલબ્ધ છે. આ વર્ષની ખાસ વિશેષતા તરીકે હાલારી પાઘડીવાળા ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી હોવાથી મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે અને અત્યાર સુધીમાં આશરે ૮૫ ટકા જેટલું બુકિંગ પૂર્ણ થઈ ગયું હોવાનું જણાવાયું છે.
દક્ષ ક્લે આર્ટના સંચાલક અતુલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય માત્ર ગણેશજીની મૂર્તિઓનું વેચાણ કરવાનો નથી, પરંતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો માટીના ગણેશજીની સ્થાપના કરે તે માટેનો પ્રયાસ છે. છેલ્લા ૧૫ વર્ષથી આ અભિયાનને આગળ ધપાવી રહ્યા છીએ અને હવે લોકોમાં પણ માટીના ગણેશજી પ્રત્યે જાગૃતિ વધી રહી છે તે આનંદની વાત છે. જામનગરની જનતાને આ વર્ષે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓને બદલે માત્ર માટીના ગણેશજીની સ્થાપના કરવા તેમણે અપીલ કરી છે.
માટીના ગણેશજીની મૂર્તિના બુકિંગ તથા ખરીદી માટે ગુલાબનગર, લકી હોટલ સામે, ગરબી ચોક પાસે, જામનગર ખાતે દક્ષ ક્લે આર્ટ અતુલભાઈ પ્રજાપતિ ૭૬૨૨૯૫૨૧૦૭ (સાચી મિટ્ટી)નો સંપર્ક કરી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application