BREAKING NEWS

આખરે જામ્યુકો જાગી.. ન.પ્રા. શિક્ષણ સમિતિની ચૂંટણી જાહેર

  • September 09, 2026 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આખરે જામ્યુકો જાગી.. ન.પ્રા. શિક્ષણ સમિતિની ચૂંટણી જાહેર 


જામનગર મહાનગરપાલીકાએ આખરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીની વિધિવત જાહેરાત કરતા રાજકીય ગરમાવો આવ્યો છે. કુલ ૧૨ બેઠકની ચૂંટણી થશે. આ માટે ૨૩ સપ્ટેમ્બરના ઉમેદવારી પત્ર સ્વીકારાશે. ૯ ઓકટોબરના મતદાન અને મતગણતરી થશે.મહાપાલીકાની ચૂંટણી પરિણામના ચાર મહીના બાદ પ્રક્રીયાથી અનેક સવાલ અને ચર્ચાનો દૌર ચાલી રહ્યો છે.  
જામનગર મહાનગરપાલીકાની ચૂંટણીનું પરિણામ ગત તા.૨૮-૪-૨૦૨૬ના આવ્યું હતું. પરંતુ મહાપાલીકાની ચૂંટણીના પરિણામ આવ્યાને ચાર મહીના પસાર થવા છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીની કોઈ પ્રક્રીયા કે ગતિવિધિ ન થતાં શિક્ષણવિદો અને જાણકારોમાં ભારે આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા હતાં. શિક્ષણ સમિતિના અધ્યક્ષ બનવા કેટલાય મુરતિયા ઇચ્છુક હોવા છતાં શિક્ષણ સમિતિની ચૂંટણી પ્રક્રિયા હાથ ન ધરાતા તરેહ તરેહની ચર્ચાઓનો દૌર પણ ચાલ્યો હતો. ત્યારે આખરે જામનગર મહાનગરપાલીકા ઉંઘમાંથી સફાળી જાગી હોય તેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીની વિધિવત જાહેરાત કરી છે. જે અનુસાર સમિતિની કુલ ૧૨ બેઠકની ચૂંટણી થશે. જેમાં એક અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિની એક અને અન્ય ૩ અનામત બેઠક તથા ૮ સામાન્ય બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠક માટે તા.૨૩ સપ્ટેમ્બરના મેયર કાર્યાલયમાં સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. જયારે તા.૨૫ સપ્ટેમ્બરના સવારે ૧૧ કલાકે મેયર કાર્યાલયમાં ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. આ જ દીવસે બપોરે ૩.૩૦ કલાકે ઉમેદવારોની યાદી પ્રસિઘ્ધ કરવામાં આવશે. તા.૨ ઓકટોબરના ફોર્મ સવારે ૧૧ થી બપોરે ૨ વાગ્યા સુધી પરત ખેંચી શકાશે. જયારે ૯ ઓકટોબરના સવારે ૧૧.૩૦ થી ૩.૩૦ સુધી મતદાન અને આજ દીવસે સાંજે ૪ કલાકે મતગણતરી હાથ ધરવામાં આવશે. 

અત્રે નોંધનીય છે કે, ચાલુ વર્ષે મનપાની ૬૪ બેઠકમાંથી ૬૦ બેઠક ભાજપને મળી છે. શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર કોર્પોરેટરને હોય છે. ચૂંટાયેલ કોર્પોરેટરો શિક્ષણ સમિતિના સભ્યોને ચૂંટે તે પછી તેના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી શિક્ષણ સમિતિના ચૂંટાયેલા સભ્યો કરતાં હોય છે. ત્યારે શિક્ષણ સમિતિની ચૂંટણી લડવા માટે ઘણા મુરતિયા તલપાપડ છે. આટલું જ નહીં સભ્ય અને ચેરમેન માટે અત્યારથી લોબીંગનો દૌર શ‚ થયાનું પણ જાણવા મળ્યું છે. આથી ચૂંટણી જંગ રસપ્રદ બને તો નવાઇ નહીં. આ સ્થિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્ય અને ચેરમેન બનવા માટે તલપાપડ મુરતિયાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા હોય કોણ મેદાન મારી જાય છે તેના પર સૌની મીટ મંડાઇ છે. બીજી બાજુ શિક્ષણ સમિતિની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application