BREAKING NEWS

ખંભાળિયા: દાત્રાણા ગામે જુગારના અખાડા પર એલસીબી ત્રાટકી : સાત શખ્સો ઝડપાયા

  • July 21, 2026 05:34 AM 

ખંભાળિયા: દાત્રાણા ગામે જુગારના અખાડા પર એલસીબી ત્રાટકી : સાત શખ્સો ઝડપાયા

દ્વારકા, કલ્યાણપુરમાંથી આઠ જુગારીઓ ઝબ્બે : અઢી લાખનો મુદામાલ કબ્જે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં જુદા જુદા ત્રણ સ્થળોએ પાડવામાં આવેલા જુગાર દરોડામાંથી ૧૫ શખ્સો રૂપિયા અઢી લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા છે.

આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ખંભાળિયા વિસ્તારમાં રવિવારે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન આશરે પોણા બે વાગ્યાના સમયે એલસીબી સ્ટાફના મસરીભાઈ ભારવાડીયા, ખીમાભાઈ આંબલીયા અને લાખાભાઈ પિંડારિયાને મળેલી બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા રામ વજશીભાઈ ચાવડા નામના શખ્સ દ્વારા પોતાની વાડીએ આવેલા તેના માલિકીના મકાનમાં બહારથી માણસો ભેગા કરી અને અહીં તેઓને લાઈટ, પાણી, જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડીને તેના બદલામાં નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સ્થળેથી પોલીસે રામ વજશી ચાવડા, હેભા આલા ચાવડા, ગોવિંદ મેરામણ ચાવડા, રાયદે સુકાભાઈ ચાવડા, ભાયા રાજશી બેરા, ઈમરાન આમદ ચાવડા અને જેસા કારુ માડમ નામના સાત શખ્સોને ઝડપી લીધા હતા. આ સ્થળેથી પોલીસે રૂપિયા ૧,૨૦,૬૦૦ ની રોકડ રકમ તથા રૂ. ૩૦,૦૦૦ ની કિંમતના બે મોટરસાયકલ અને રૂપિયા ૨૦ હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧,૫૨,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

અન્ય એક કાર્યવાહીમાં એલસીબીની ટીમ દ્વારા દ્વારકા વિસ્તારમાં હાથ વધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના એ.એસ.આઈ. કુલદીપસિંહ જાડેજા, પીઠાભાઈ ગોજીયા, પ્રદિપસિંહ જાડેજા અને જયપાલસિંહ જાડેજાની બાતમીના આધારે ઇસ્કોન ગેઈટ, રાવણા તળાવ પાસેના આશ્રમની બહાર બેસીને રાત્રિના આશરે સાડા બારેક વાગ્યાના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રહીશ પુંજાજી ડાયાજી ઠાકોર, જીગર કમલેશભાઈ પટેલ, ભુપેન્દ્ર જમનભાઈ પટેલ અને રોહિત મહેન્દ્રભાઈ પટેલ નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રૂ. ૭૪ હજારની રોકડ રકમ તથા રૂ. ૧૫,૦૦૦ ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૮૯ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

કલ્યાણપુર પોલીસની કાર્યવાહીમાં કલ્યાણપુરથી આશરે ૨૫ કિલોમીટર દૂર લાંબા ગામે ગતરાત્રિના આશરે નવ વાગ્યાના સમયે જાહેરમાં ગંજીપાના વડે રોન પોલીસનો જુગાર રમી રહેલા અરજણ પાલાભાઈ ચેતરીયા, હમીર જેઠાભાઈ રાવલીયા, અજય સામતભાઈ ચાનપા અને રાજશી જેઠાભાઈ રાવલીયા નામના ચાર શખ્સોને પોલીસે રૂ. ૬,૫૦૦ ની રોકડ રકમ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application