જામનગરમાં જુગારના અખાડામાંથી પાંચ મહિલા સહિત આઠની અટક
એલસીબીના દરોડામાં ૧.૮૮ લાખનો મુદામાલ કબ્જે: જામજોધપુરમાં પાના ટીંચતા ૩ ઝબ્બે : એક ફરાર
જામનગરના રાજપાર્ક-રંગમતીપાર્ક વિસ્તારમાં એક મહિલાના મકાનમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી આધારે એલસીબીએ દરોડો પાડી પાંચ મહિલા સહિત આઠની અટક કરી હતી જયારે જામજોધપુર વિસ્તારમાં પાના ટીંચતી ત્રિપુટી ઝપટમાં આવી હતી.
જામનગર એલસીબી પીઆઇ ચૌધરી અને પીએસઆઇ ભાટીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ધર્મેન્દ્રસિંહ, ઘનશ્યામભાઇ તથા ભરતભાઇને મળેલ બાતમી આધારે જામનગર શહેરના રાજપાર્ક-રંગમતીપાર્ક શેરી નં. ૩માં સરોજબેનના મકાનમાં મહિલા-પુષો તિનપતી જુગાર રમે છે જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો.
દરોડા દરમ્યાન ગોકુલનગર રામનગરના ભરત કરમશી ચોપડા, સત્યમ કોલોની ઓશવાળ-૩માં રહેતા જયરાજસિંહ વનરાજસિંહ ગોહિલ, અંધાશ્રમ આવાસમાં રહેતા ક્રિપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા, રાજપાર્ક રંગમતીપાર્કના સરોજ અશ્ર્વીન પંડયા, વસંતવાટીકાના નલીનીબેન બાબુ કોટડીયા, અંધાશ્રમ આવાસના આશાબેન કેશુ મોઢવાડીયા અને મચ્છુનગરના આનંદબા રાજેન્દ્રસિંહ ઝાલા તથા ગોકુલનગરના સતીબેન હરીશ ચાવડાની અટકાયત કરી હતી.
એલસીબીએ દરોડા દરમ્યાન ૭૨૫૦૦ની રોકડ તથા ૮ મોબાઇલ, ૨ મોટરસાયકલ મળી કુલ ૧.૮૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો, દરોડાના પગલે ચકચાર મચી જવા પામી હતી. બીજા દરોડામાં જામજોધપુરના આંબેડકર ચોક વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ઇશા ઓસમાણ રાવકરડા, રબારીપાના અસલમ આમદ સમા અને યાકુબ ઉમર સમાને રોકડા ૧૫૨૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા, જયારે રબારીપાનો મહમદ મુસા કટારીયા નાશી છુટયો હતો.