જામનગરમાં પાવરચોરી યથાવત, શહેરમાં વીજકંપનીના દરોડા
મેગા ડ્રાઇવ: હાલારમાં વીજચોરીના દૂષણને ડામવા વીજતંત્રની પુન: તવાઇ, બે દિવસમાં ૧૦૫ જોડાણમાં વીજ ગેરરીતિ ઝડપાઇ
કાલાવડ નાકા બહાર, નાગનાથ ગેઇટ, કુંભારવાડા સહીતના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ટુકડીઓ ત્રાટકી:વીજચોરીના તમામ કેસમાં પોલીસ ફરિયાદ
જામનગરમાં પાવરચોરીનું દૂષણ યથાવત રહ્યું છે. આજે શહેરના કાલાવડ નાકા બહાર, નાગનાથ ગેઇટ, કુંભારવાડો સહીતના વિસ્તારોમાં વીજકંપનીની ટુકડીઓએ દરોડા પાડી વીજ જોડાણોનું ચેકીંગ કર્યું હતું. હાલારમાં વીજચોરીના દૂષણને ડામવા વીજતંત્રએ પખવાડીયામાં પુન: તવાઇ બોલાવતા બે દીવસમાં ૧૦૫ જોડાણમાં ગેરરીતિ ઝડપાતા તમામ કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છેે.
જામનગર પીજીવીસીએલની શહેર અને ગ્રામ્ય કચેરીઓ દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા એમ બંને જિલ્લામાં વીજચોરી સામે સઘન ચેકિંગ ઝુંબેશ ચાલી રહી છે. આમ છતાં વીજચોરીનું દૂષણ યથાવત છે. આથી પીજીવીસીએલ દ્વારા મંગળવારથી પુન: મેગા ચેકીંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશના પ્રથમ બે દિવસ દરમિયાન કુલ ૧૦૫ સ્થળોએ વીજચોરી પકડી પાડવામાં આવી છે. વીજચોરીના તમામ કિસ્સામાં સંબંધિત પોલીસ મથકોમાં ગુના નોંધાવવામાં આવ્યા છે. વીજચોરી અટકાવવા માટે પીજીવીસીએલ દ્વારા જુદી જુદી ચેકિંગ ટુકડીઓ બનાવીને બંને જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝુંબેશના પ્રથમ દિવસે મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ૪૨ સ્થળોએ વીજચોરી ઝડપાઈ હતી અને તમામ કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ત્યારબાદ બુધવારે દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ જામનગર તાલુકાના સાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન વધુ ૬૩ સ્થળોએ વીજચોરી પકડાઈ હતી. આમ, બંને દિવસમાં કુલ ૧૦૫ સ્થળોએ વીજચોરી ઝડપાતાં વીજચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આજે ત્રીજા દીવસે જામનગર શહેરમાં વીજચોરી સબબ સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પીજીવીસીએલની જુદી જુદી ટુકડીઓ દ્વારા શહેરના નાગનાથ ગેઇટ, કુંભારવાડો, કાલાવડ નાકા બહાર સહિતના વિસ્તારો તેમજ અલગ અલગ સોસાયટીઓમાં વીજજોડાણોની તપાસ કરવામાં આવી રહી છે. વીજચોરી પકડી પાડવા ચુસ્ત બંદોબસ્ત સાથે વિશાળ કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. પીજીવીસીએલની ચેકીંગ ઝુંબેશ દરમિયાન જામનગર શહેરમાંથી મસમોટી વીજચોરી પકડાવાની શકયતા છે. બંને જિલ્લામાં વીજચોરી સામેની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application