જામનગર : જામજોધપુરમાં આરોપીઓનાં મકાનોમાં વિજ તંત્ર-પોલીસની તપાસ
જામજોધપુર પોલીસ સ્ટેશન હેઠળના ધોરિયોનેસ ગામમાં નાસતા ફરતા આરોપીઓનાં રહેણાંક મકાનોમાં ગેરકાયદે વીજ જોડાણ મળી આવતાં પોલીસ અને પીજીવીસીએલની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન બંને મકાનોમાં અનધિકૃત વીજ જોડાણ મળી આવતાં વીજચોરી અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ, દરોડાની કામગીરી દરમિયાન એક સગર્ભા મહિલાની તબિયત લથડતાં પોલીસે તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી તેમને સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
જામજોધપુર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપી નાથાભાઈ લાલાભાઈ મોરી તથા રાજુ ઉર્ફે બાડીયો લક્ષ્મણભાઈ મોરી, બંને રહે. ધોરિયોનેસ, તા. જામજોધપુરના રહેણાંક મકાનોમાં ગેરકાયદે વીજ જોડાણ હોવાની બાતમીના આધારે પોલીસ કાફલો મહિલા પોલીસ કર્મચારીઓ તથા પીજીવીસીએલના અધિકારીઓ-કર્મચારીઓને સાથે રાખીને ગામમાં પહોંચ્યો હતો.
સંયુક્ત ટીમ દ્વારા બંને મકાનોમાં તપાસ હાથ ધરવામાં આવતાં અનધિકૃત વીજ જોડાણ મળી આવ્યાં હતાં. આથી પીજીવીસીએલના અધિકારીઓએ સ્થળ પર પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. વીજચોરીના આ બનાવમાં વીજ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
દરમિયાન, આરોપી રાજુ ઉર્ફે બાડીયો લક્ષ્મણભાઈ મોરીના ઘરે વીજ જોડાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે તેના ઘરે હાજર તેની પત્ની લક્ષ્મીબેન રાજેશભાઈ મોરીની તબિયત અચાનક લથડી હતી. લક્ષ્મીબેન સગર્ભા હોવાથી તેમને તાત્કાલિક તબીબી સારવારની જરૂરિયાત ઊભી થઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સ્થળ પર હાજર મહિલા પોલીસ કર્મચારીઓ તથા અન્ય ટીમના સભ્યોએ ત્વરિત કાર્યવાહી કરી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચતાં સગર્ભા મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા આમ પોલીસ દ્વારા માનવતાભરી કામગીરી કરવામાં આવી હતી.