BREAKING NEWS

જામનગરમાં ૨૦.૧૩ ટકા વીજ લોસ, મુખ્ય કારણ..પાવરચોરી..!

  • November 03, 2026 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ૨૦.૧૩ ટકા વીજ લોસ, મુખ્ય કારણ..પાવરચોરી..!


જામનગરમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૦.૧૩ ટકા વીજ લોસ નોંધાયો છે. એક વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૪-૨૫ની સરખામણીએ ૨૦૨૫-૨૬માં ટી એન્ડ ડી લોસમાં ૨.૪૨ ટકાનો નજીવો ઘટાડો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ પાવરચોરીની સાથે ટેકનીકલ અને થીયરીકલ લોસ પણ હોવાનું વીજકંપનીના અધિકારીઓએ જણાવ્યું છે. વીજચોરી ડામવા છાશવારે ચેકીંગની મેગા ડ્રાઇવ, ઝુંબેશ હાથ ધરવામાં આવે છે છતાં વીજલોસમાં ધરખમ ઘટાડો ન થતાં વીજકંપનીની કામગીરી સામે અનેક સવાલની સાથે તરેહ-તરેહના તર્ક-વિર્તક પણ ઉઠ્યા છે. વીજ ધાંધિયાથી ગ્રાહકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે તો બીજી બાજુ વીજચોરોને મોકળું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. 

સૌરાષ્ટ્ર કચ્છમાં પશ્ર્ચિમ ગુજરાત વીજકંપની લીમીટેડના ૧૨ સર્કલ કાર્યરત છે. જે પૈકી જામનગર સર્કલમાં ટી એન્ડ ડી એટલે કે ટ્રાન્સમીશન એન્ડ ડીસ્ટ્રીબ્યુશન લોસ(વીજ લોસ)માં છેલ્લાં ઘણાં વર્ષોથી અન્ય સર્કલ કરતા વધુ રહે છે. જામનગર પીજીવીસીએલ સર્કલ કે જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. જામનગર સર્કલમાં છેલ્લાં ૧૦ વર્ષમાં વીજ લોસમાં વધ-ઘટ નોંધાઇ છે. જો કે, હજુ વીજલોસ ૨૦ ટકાથી ઘટયો નથી. વર્ષ ૨૦૨૪-૨૫માં વીજ લોસ ૨૨.૫૫ ટકા નોંધાયો હતો. જેની સામે વર્ષ ૨૦૨૫-૨૬માં વીજલોસ ૨૦.૧૩ ટકા નોંધાયો છે. આથી એક વર્ષમાં વીજ લોસમાં નજીવો ૨.૪૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. 

જામનગરમાં વીજ લોસનું મુખ્ય કારણ વીજચોરી છે. તદઉપરાંત ટેકનીકલ લોસ અને થીયરીકલ લોસ એટલે કે ટ્રાન્સફોર્મર, વીજલાઇન સહીતના વીજસાધનોમાં ફોલ્ટ પણ કારણભૂત હોવાનું વીજકંપનીના અધિકારીઓએ જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, જામનગર સર્કલમાં વીજ લોસનું પ્રમાણ અન્ય સર્કલ કરતા વધુ રહે છે. જેનું મુખ્ય કારણ વીજચોરી છે. ત્યારે વીજલોસ ઘટાડવા પાવરચોરીના  દૂષણને ડામવા માટે વીજકંપની દ્વારા છાશવારે મેગા ચેકીંગ ડ્રાઇવ, ઝુંબેશ હાથ ધરવામાં આવે છે તો જૂના મીટર બદલી તેમના સ્થાને નવા મીટર નાખાવામાં આવી રહ્યા છે  પરંતુ જોઇએ તેવી સફળતા ન મળતા અનેક સવાલોની સાથે તરેહ-તરેહના તર્ક વિર્તક પણ ચાલી રહ્યા છે. ત્યારે ટી એન્ડ ડી લોસમાં ઘરખમ ઘટાડો ન થતાં વીજકંપનીના અધિકારીઓની ઇચ્છાશકિતનો અભાવ, બેદરકારી, આંખ આડા કાન કે પછી અન્ય કોઇ કારણ જવાબદાર છે તે ખરા અર્થમાં તપાસનો વિષય બન્યો છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application