જામનગર જિલ્લા સહકારી બેંકને ઇમર્જીંગ બેન્કીંગ એવોર્ડ એનાયત
હાલારના સહકારી ક્ષેત્રની કેન્દ્રબિંદુપ બેંકની પ્રગતિ, નવીનીકરણ-બેંક પરિવારના સામૂહિક પ્રયાસોને સન્માન
જામનગર જીલ્લા સહકારી બેંકને એક અગ્રણી ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા બેંકિંગ ક્ષેત્રે તેની પ્રગતિશીલ કામગીરી, નવીન અભિગમ અને વિકાસયાત્રાની નોંધ લઈ પ્રતિષ્ઠિત ઇમર્જીંગ બેન્કીંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
રાજ્યના આ સહકાર ક્ષેત્રનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ગરિમામય સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો.
જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની સતત પ્રગતિ, આધુનિક બેંકિંગ તરફના અભિગમ, ટેકનોલોજી આધારિત સેવાઓ તથા ગ્રાહકકેન્દ્રિ કામગીરીની મહત્વપૂર્ણ ઓળખરૂપ આ ગૌરવ હાંસલ થતાં રાજ્ય સ્તરના સહકારી ક્ષેત્રમાં તેની નોંધ લેવાશે.
જામનગર જીલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલના દૂરંદેશી દૃષ્ટિકોણ, સકારાત્મક અભિગમ અને પ્રગતિશીલ વિચારસરણી હેઠળ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સતત માર્ગદર્શન, સહકાર અને સભાસદોના વિશ્વાસથી બેંક વિકાસ અને પ્રગતિના નવા આયામો સર કરી રહી છે, તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ખેડૂતો, નાના વેપારીઓ અને ગ્રામ્ય સમાજને નાણાંકીય સેવાઓ સાથે જોડીને બેંક વિકસિત ભારતના નિર્માણના રાષ્ટ્રીય સંકલ્પમાં સહકારી ક્ષેત્રની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગે બેંક મેનેજમેન્ટ દ્વારા તમામ ગ્રાહકો, ખેડૂતો, સભાસદો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ, સહયોગી સંસ્થાઓ તથા સમગ્ર હિતધારક પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ સન્માન માત્ર બેંકનું નથીઆ આપણા દરેક ગ્રાહકનું છે, આપણા ખેડૂતોનું છે, આપણા સભાસદોનું છે, આપણા કર્મચારીઓનું છે અને બેંક સાથે વિશ્વાસ તથા સહકારથી જોડાયેલા દરેક હિતધારકનું ગૌરવ છે. આ પ્રતિષ્ઠિત સન્માન થકી નવી ઊર્જા અને પ્રેરણા સાથ બેંકને આગામી સમયમાં પણ વધુ મજબૂત, આધુનિક, પારદર્શક અને ગ્રાહકકેન્દ્રિ સહકારી બેંકિંગ તરફ આગળ વધવા પ્રોત્સાહન મળશે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પોતાનું યથાશક્તિ યોગદાન આપશે.