જામનગર: બેડ ગામમાં દારૂના જથ્થા સાથે મહિલા સહિત ત્રણની અટકાયત
એલસીબીના દરોડામાં ૯૫ બોટલ, કાર સહિત ૩.૧૮ લાખનો મુદ્દામાલ કબજે : બનાસકાંઠાના સપ્લાયર સહિત ત્રણ શખ્સો ફરાર
બેડગામના ભરવાડપાડા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી ઈંગ્લિશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૯૫ બોટલ, ઈકો કાર અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ ૩,૧૮,૬૭૫નો મુદ્દામાલ એલસીબીએ કબજે કરી બે પુરુષ અને એક મહિલાને ઝડપી લેવામાં આવ્યાં હતાં. જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર સહિત અન્ય ત્રણ શખ્સોને પકડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મયુદીનભાઈ સૈયદ અને હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે બેડગામના ભરવાડપાડા વિસ્તારમાં કિશોરસિંહ જગદીશસિંહ જાડેજાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસની તપાસ દરમિયાન સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લિશ દારૂની ૯૫ બોટલ, જેની કિંમત ૫૩,૬૭૫ થાય છે, ત્રણ મોબાઈલ ફોન, જેની કિંમત ૧૫,૦૦૦ થાય છે, તેમજ જીજે-૦૧-કેઝેડ-૯૦૮૩ નંબરની ૨,૫૦,૦૦૦ની ઈકો કાર મળી આવી હતી. આમ, પોલીસે કુલ ૩,૧૮,૬૭૫નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે યશપાલસિંહ ભરતસિંહ વાઘેલા (રહે. થરાગામ, બનાસકાંઠા), ઓમજી રેવાજી ઘાઘોસ (રહે. વડાગામ, બનાસકાંઠા) અને અલવીરાબેન યશપાલસિંહ વાઘેલા (રહે. થરાગામ, બનાસકાંઠા)ને ઝડપી લીધા હતા.
જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર ગમનસિંહ રાજુભા વાઘેલા (રહે. વડાગામ, બનાસકાંઠા), દારૂ મંગાવનાર જયદીપસિંહ વાઢેર (રહે. મોટીખાવડી, જામનગર) અને મકાનમાલિક કિશોરસિંહ જગદીશસિંહ જાડેજા (રહે. બેડગામ, જામનગર)ને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલા દ્વારા ફરિયાદ રિપોર્ટ આપવામાં આવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ તલાવડીયાએ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.